ટાઇપ્સ ઓફ ટ્રાઉઝરથી મેળવો ટ્રેન્ડી લુક

યુવતીઓ સુંદર અને સારા દેખાવ માટે અવનવાં વસ્ત્રો પહેરતી હોય છે. સમય સાથે ટ્રેન્ડી અને ફેશનેબલ દેખાવા માટે વેસ્ટર્ન આઉટફિટ પહેરતી યુવતીઓ માટે ટ્રાઉઝર એક ઉમદા આઉટફિટ છે. વિવિધ પ્રકારનાં ટ્રાઉઝર પર ટોપ, શર્ટ, ટીશર્ટ કે બ્લેઝર પહેરીને એકદમ ફેન્સી લુક પ્રાપ્ત કરી શકાય છે.

ફેશન ડિઝાઇનર આરઝુ શાહ કહે છે કે, “ટ્રાઉઝર સાથે કોઈ પણ પ્રકારનાં ટોપ પહેરીને ટ્રેન્ડી લુક પ્રાપ્ત કરી શકાય છે. વળી આ એવું પરિધાન છે કે તમે દરેક સિઝનમાં પહેરી શકો છો. તમારી લંબાઇને આધારે અલગઅલગ પ્રકારનાં ટ્રાઉઝર પહેરીને તમે આકર્ષક દેખાઈ શકો છો.” જો તમારી લંબાઈ ઓછી હોય તો ક્રોપ્ડ ટ્રાઉઝર પહેરવું. ક્રોપ્ડ ટ્રાઉઝર પર ટીશર્ટ પહેરીને કૉલેજ ગર્લ જેવો દેખાવ પ્રાપ્ત કરી શકાય છે. વાઇલ્ડ લેન્થ ટ્રાઉઝર ઓફિસવેરમાં બેસ્ટ લુક આપે છે. વાઇલ્ડ લેન્થ ટ્રાઉઝર પર શર્ટ અને બ્લેઝર પહેરીને કોર્પોરેટ લુક પ્રાપ્ત કરી શકાય છે. બહાર ફરવા જવું હોય, ટ્રેકિંગ કે જોગિંગ કરવા માટે લક્સ ટ્રેક પેન્ટ એકદમ કમ્ફર્ટ ફિલ આપે છે. આ સિવાય ટ્રેપર્ડ પેન્ટ્સ, ચીનોઝ, ટેઇલર્ડ ટ્રાઉઝર, બેગી પેન્ટ્સ, પલાઝો જેવાં વૈવિધ્યસભર ટ્રાઉઝર દ્વારા એકદમ આકર્ષક દેખાવ પ્રાપ્ત કરી શકાય છે.

કૃતિકા શાહ કહે છે કે, “રોજ જિન્સ પહેરવું મને ગમતું નથી. તેથી જ જિન્સના ઓપ્શનમાં મેં બે-ત્રણ અલગઅલગ ટ્રાઉઝર ખરીદ્યાં છે. જેમાં ચીનોસ સ્ટાઇલનું ટ્રાઉઝર એકદમ હળવું છે. ની-લેન્થના આ ટ્રાઉઝર પર શર્ટ, ટીશર્ટ કે ટોપ પહેરી શકાય છે. આ સાથે ટ્રેઇલર ટ્રાઉઝર અને ક્રોપ્ડ ટ્રાઉઝર પણ મેં લીધાં છે. મારી લંબાઈ ઓછી છે તેથી મેં ત્રણેય ટ્રાઉઝર ની-લેન્થ રાખ્યાં છે. ટોપમાં શર્ટ સાથે કોટી કે બ્લેઝર પહેરીને અલગઅલગ સ્ટાઇલ ફૉલો કરું છું.”

ઋત્વી ગાંધી કહે છે કે, “હવે ચોમાસાની સિઝન શરૃ થશે ત્યારે જિન્સ પહેરવું ઓછું ગમે છે. જેને કારણે હું આવી સિઝનમાં ની-લેન્થ ટ્રાઉઝર પહેરું છું. આ સાથે મેં બેગી પેન્ટ અને પલાઝો પણ ખરીદ્યાં છે. જેની પર ક્રોપ ટોપ, શોર્ટ ટીશર્ટ એકદમ અલગ જ દેખાવ આપે છે.”

તો જો તમે જિન્સ અમે ટીશર્ટ પહેરીને કંટાળી ગયા હોવ તો ચોક્કસ તમારા વોર્ડરોબમાં ટ્રાઉઝર એડ કરો. ટ્રાઉઝર એક એવા પ્રકારનું પરિધાન છે જે તમને કૂલ, કમ્ફર્ટ અને વન્ડરફુલ ફિલિંગ આપે છે. વળી ટ્રાઉઝર સાથે કોઈ ચોક્કસ સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોડાયેલું નથી. તમે તમારી ઇચ્છા પ્રમાણે ટ્રાઉઝર સાથે શર્ટ, ટી શર્ટ, ટોપ, કોટી કે બ્લેઝર પહેરીને ટ્રેન્ડી દેખાઈ શકો છો.

પૂર્વી દવે વ્યાસ

You might also like