સપ્તાહમાં રૂપિયામાં તોફાની વધ-ઘટઃ સોના અને ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ

અમદાવાદ: સપ્તાહ દરમિયાન રૂપિયામાં તોફાની વધ-ઘટ નોંધાતી જોવા મળી હતી. સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૫૨ પૈસા તૂટ્યો હતો. ગઇ કાલે છેલ્લે ૬૪.૭૩ની સપાટીએ રૂપિયો બંધ જોવાયો હતો. ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકાની મજબૂત થતી જતી ઇકોનોમી તથા ડોલર ઇન્ડેક્સમાં સુધારાની ચાલે રૂપિયામાં નરમાઇ નોંધાઇ હતી. પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૪.૨૧ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં આર્થિક વિકાસદરમાં સુધારો થઇ રહ્યો છે અને તેના કારણે ડોલર ઇન્ડેક્સમાં પણ મજબૂતાઇ નોંધાઇ છે, જેની અસરથી રૂપિયો ચાલુ સપ્તાહે ૫૨ પૈસા તૂટ્યો છે.

દરમિયાન ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો ૧.૩૪ ટકા તૂટી ચૂક્યો છે તો બીજી બાજુ સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સની મજબૂત ચાલના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જેના પગલે સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ આજે શરૂઆતે ૩૧,૬૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીના ભાવમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ છે.

આજે શરૂઆતે ચાંદીનો પ્રતિકિલો ૩૯,૧૫૦ના મથાળે ભાવ ખૂલ્યો હતો. સપ્તાહ દરમિયાન ચાંદીમાં પ્રતિકિલોએ રૂ. ૩૦૦નો ઘટાડો નોંધાયો હતો.

ચાલુ વર્ષે ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં અત્યાર સુધીમાં રૂ. ૧૨૦૦નો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. જોકે ચાંદીમાં સ્થિર ચાલ જોવા મળી છે.

You might also like