ઉત્તરાયણ નિમિત્તે અાકર્ષક ગિફ્ટ પેકમાં ફીરકી અાપવાનો ટ્રેન્ડ

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે પતંગરસિયાઓ નવા નવા ટ્રેન્ડ અપનાવે છે. આ વર્ષે પતંગરસિયાઓનો નવો ફંડા ફીરકીને આકર્ષક ગિફ્ટ પેકિંગમાં આપવાનો શરૂ થયો છે. ખાસ કરીને કોર્પોરેટ જગત કે પછી ખાસ મિત્રોને ભેટમાં ગિફ્ટ પેકમાં ફીરકી આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે. આવા આકર્ષક પેકિંગ ધરાવતા બોક્સમાં આવતી ફિરકી બજારમાં રૂ.૩૦૦થી ૧૨૦૦ સુધીની કિંમતમાં મળી રહી છે.

આ ફીરકીમાં ૧ હજારથી શરૂ કરીને ૫ હજાર વાર સુધીની દોરી હોય છે. એક હજાર વારની ફીરકી રૂ. ૨૭૦થી ૪૨૫ જ્યારે ૨૫૦૦ વારની બોક્સ ફીરકી રૂ.૪૭૦થી રૂ.૬૦૦, ૩ હજાર વારની ફીરકી રૂ.૬૦૦થી રૂ.૭૦૦ જ્યારે ૫ હજાર વારની ફીરકી રૂ.૮૦૦થી રૂ.૧૨૦૦ના ભાવે વેચાણ થઈ રહી છે. દોઢથી બે ફૂટના આકર્ષક બોક્સમાં મૂકીને વેચાણ થઈ રહેલી ફીરકી પતંગરસિયાઓનું નવું આકર્ષણ છે.

બોક્સ ગિફ્ટ પેક ફીરકીની સાથે મિત્રોને ભેટમાં આપવા માટે ખાસ ઉત્તરાયણ સ્પે‌િશયલ એસેસરીઝ પણ ધૂમ મચાવી રહી છે, તેમાં ખાસ કરીને ગોગલ્સ કેપ, વ્હીસલ, ઉત્તરાયણ સ્પેશિયલ ટીશર્ટ, ફિંગર કેપ પણ ગિફ્ટમાં અપાઈ રહી છે. આ વર્ષે પતંગમાં પણ જુદા જુદા પ્રકારના કાગળનો ઉપયોગ થઈ રહ્યો છે. દોરીમાં પણ સાદા અને ફ્લોરેસન્ટ કલરમાં વિવિધતા આવી છે. અત્યારે ‘બજરંગી ભાઈજાન’ અને ‘બાહુબ‌િલ’ની ફિલ્મની જાહેરાત કરતા પતંગ હોટ ફેવરિટ છે.

You might also like