મેરઠ બાદ આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લા બાદ દિલ્હી સહિત સમગ્ર એનસીઆર રિજિયનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે ૬.ર૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. લોકો વહેલી સવારે મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે ઊંઘમાંથી સફાળા જાગીને ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા.

ન્યૂ કેપિટલ રિજિયનમાં છેલ્લા ર૪ કલાકમાં બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે સદ્નસીબે જાનમાલની ખુવારી થઇ હોવાના અહેવાલ નથી. આ અગાઉ રવિવારે સાંજે ૪.૩૭ કલાકે હરિયાણાના ઝઝર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૩.૮ની આંકવામાં આવી હતી. દિલ્હી ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ઝોન માનવામાં આવે છે. ભૂતકાળમાં પણ એનસીઆરમાં અનેક આંચકા આવી ચૂક્યા છે.

આજે દિલ્હીમાં વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર ૩.૭ની માપવામાં આવી હતી. મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના ઝઝર ખાતે ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જણાવાય છે.

ભૂકંપ જ્યારે આવે ત્યારે સાવધાની દાખવવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવે છે. જો તમે ઘરની બહાર હો તો ગગનચુંબી ઇમારતો, વીજળીના થાંભલા વગેરેથી દૂર રહો અને જ્યાં સુધી ભૂકંપના આંચકા બંધ ન થાય ત્યાં સુધી બહાર રહો.

જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હો તો વાહનને જલદી રોકી દો અને વાહનમાં જ બેઠા રહો. ઘરમાં હો તો તમે જમીન પર બેસી જાવ અથવા કોઇ મજબૂત ટેબલ કે ફર્નિચર નીચે આશ્રય લો.

You might also like