લેગિંગ્સ અને જેગિંગ્સ બાદ હવે ટ્રેગિંગ્સનો જમાનો…

ફેશનચાહકો હવે લેગિંગ્સ અને જેગિંગ્સ બાદ ટ્રેગિંગ્સ ટ્રાય કરી રહ્યા છે. ટ્રેગિંગ્સ શબ્દ સાંભળવામાં જરા નવો લાગે છે, પરંતુ લોકો તેના નામને કારણે નહીં પણ તેના કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને પહેરી રહ્યા છે. વિદેશ બાદ હવે ભારતમાં પણ યુવતીઓ ટ્રેગિંગ્સને પસંદ કરી રહી છે. ફોર્મલ લુક આપતાં ટ્રેગિંગ્સ વિવિધ કલર્સમાં મળી રહે છે, જે ઓફિસથી લઈ પાર્ટી અને દિવસથી લઈ રાત સુધીનાં આઉટફિટ તરીકે કમ્ફર્ટ બની રહે છે.

ટ્રેગિંગ્સની લોકપ્રિયતા
આજકાલ ટ્રેગિંગ્સને યુવતીઓ અને મહિલાઓ વધુ પસંદ કરી રહી છે, કેમ કે તે લેગિંગ્સ અને જેગિંગ્સની જેમ સુંદર અને અલગ લુક આપે છે એમ જણાવતાં ડિઝાઈનર કલગી રૂત્બા કહે છે કે, “લોકો ચેક્સ ડિઝાઈન સાથે વિવિધ કલર્સમાં મળતાં ટ્રેગિંગ્સ વધારે પસંદ કરે છે. હવે થોડા સમય પછી પ્રિન્ટેડ ટ્રેગિંગ્સ પણ માર્કેટમાં આવી શકે છે. કેટલાંક ટ્રેગિંગ્સમાં ઝિપ હોય છે તો કેટલાંકમાં ઇલાસ્ટિક હોય છે, જે વેસ્ટર્ન ટોપ્સ સાથે વધુ પહેરવામાં આવે છે. તેનું ફેબ્રિક લેગિંગ્સના ફેબ્રિક કરતાં થોડું જાડું હોય છે.”

ટ્રેગિંગ્સ શા માટે?
લેગિંગ્સ, જેગિંગ્સ હોય કે ટ્રેગિંગ્સ- આ બધાં આઉટફિટ્સમાં જો યોગ્ય ફેબ્રિકની પસંદગી કરવામાં આવે તો તે વ્યક્તિને સ્લીમ લુક તો આપે જ છે, સાથે તે ઘણાં આરામદાયક બની રહે છે. લેગિંગ્સના ચાહકો માટે ટ્રેગિંગ્સ એક સારો ઓપ્શન છે, જે ટ્રાઉઝર જેવું હોય છે અને લેગિંગ્સની જેમ ફિટ અને શેપવાળું હોય છે. આ સ્લીમ સ્ટ્રેચી પેન્ટ્સ અમુક હદ સુધી લેગિંગ્સ જેવાં જ લાગે છે, જે કાર્યસ્થળને અનુરૂપ અને લાંબા સમય માટે આરામદાયી બની રહે તેવાં હોય છે. ટ્રેગિંગ્સ સ્કિની પેન્ટની થર્ડ જનરેશન છે. ટ્રેગિંગ્સ ફોર્મલ શર્ટ, જેકેટ, શોર્ટ કુરતી, શ્રગ, સ્ટોલ, કેઝ્યુઅલ વૅર તરીકે, નાઈટઆઉટ માટે, જિમ વૅર તરીકે, ટી શર્ટ અને બ્લેઝર સાથે પહેરી
શકાય છે.

લેગિંગ્સ અને જેગિંગ્સની તુલનામાં ટ્રેગિંગ્સ કેવી રીતે સારું?
ટ્રેગિંગ્સ લેગિંગ્સ જેવું જ હોય છે પરંતુ તે લેગિંગ્સ કરતાં પહેરવામાં વધારે સરળ હોય છે. તેનું મટીરિયલ વધારે જાડું હોય છે અને કટ પણ પેન્ટ્સ જેવો જ હોય છે. તે લેગિંગ્સની જેમ સ્કિનટાઈટ હોતાં નથી. શિયાળામાં ટ્રેગિંગ્સ પહેરવું ઘણું ફાયદાકારક રહે છે. તેને જેકેટ્સ કે કોટની સાથે પહેરી શકાય છે. તે વિવિધ કલરમાં આવે છે. જો ફેબ્રિકની વાત કરીએ તો કોટન ઉપરાંત વુલનમાં પણ ઉપલબ્ધ હોય છે.

You might also like