ટ્રીગાર્ડ કૌભાંડઃ કોન્ટ્રાક્ટરો ૪ર ટકા ઓછા ભાવમાં તૈયાર થયા!

અમદાવાદ: શહેરમાં ચોમાસું જામ્યું હોઇ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના બજેટ તેમજ જનરલ કેપિટલ બજેટમાંથી રોપાના રક્ષણ માટેના ટ્રીગાર્ડની ખરીદીની કવાયત શરૂ કરાઇ છે, જોકે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ટ્રીગાર્ડની ખરીદીમાં કૌભાંડની ચર્ચા ઊઠી છે. ત્રણ ઝોનની ખરીદીના ટેન્ડર પૈકી બે ટેન્ડર તો એક જ કંપનીના મંજૂર કરાયાં છે. ઉપરાંત સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તંત્રની ખરીદીના ઊંચા અંદાજથી કોન્ટ્રાકટરો ૪ર ટકા ઓછા ભાવમાં તૈયાર થયા છે.

પૂર્વ ઝોનમાં પ્રતિનંગ રૂ.૪૬૯.રપ પ્રમાણે ૬૦૦૦ ટ્રીગાર્ડ માટે તંત્ર દ્વારા રૂ.૪પ.૧ર લાખનો અંદાજ મુકાયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર કમલ એન્ટરપ્રાઇઝ અંદાજથી ૩૭.૬૦ ટકા ઓછા ભાવથી એટલે કે રૂ.ર૮.૧૬ લાખના ભાવથી કામ કરવા તૈયાર થયા છે. ઉત્તર ઝોનમાં પણ તંત્રએ રૂ.૪પ.૧ર લાખનો અંદાજ મૂક્યો હતો, જોકે ઉત્તર ઝોનમાં કોન્ટ્રાકટર શારદા એન્ટરપ્રાઇઝે તો ૪૧.૪૯ ટકા ઓછા ભાવથી એટલે કે ફક્ત રૂ.ર૬.૩૯ લાખના ભાવથી કોન્ટ્રાકટ મેળવીને આશ્ચર્ય સર્જ્યું છે. ઉત્તર ઝોનમાં કેટલા નંગ ટ્રીગાર્ડ ખરીદાશે તેેનો કોઇ ઉલ્લેખ તંત્રની દરખાસ્તમાં નથી. જોકે પ્રતિનંગ ટ્રીગાર્ડનો ભાવ રૂ.૪૩૯.૯૯ કોન્ટ્રાકટરને ચૂકવાશે.

દ. ઝોનમાં તંત્ર દ્વારા ટ્રીગાર્ડનો પ્રતિનંગ રૂ.૭પરના ભાવે રૂ.૩૩.૮૪ લાખનો અંદાજ મુકાતાં પૂર્વ ઝોનના જ કોન્ટ્રાકટરે તંત્રના અંદાજથી રૂ.૩૭.૬૦ ટકા ઓછો ભાવ એટલે કે રૂ.ર૧.૧૧ લાખનો ભાવ આપતાં સત્તાવાળાઓએ આ કોન્ટ્રાક્ટરને ટ્રીગાર્ડનું કામ સોંપી દીધું છે. ઉત્તર ઝોનની જેમ દક્ષિણ ઝોન માટે પણ તંત્રની દરખાસ્તમાં ટ્રીગાર્ડના કુલ નંગની ખરીદીની કોઇ વિગતો અપાઇ નથી!

હજુ મધ્ય, પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોન એમ કોર્પોરેશનના વધુ ત્રણ ઝોનના ટેન્ડર આવવાનાં બાકી છે, પરંતુ કોર્પોરેશનનાં વર્તુળોમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનના ટ્રીગાર્ડ ખરીદીના ટેન્ડરોથી અનેક વિવાદ ઊઠ્યા છે.

આ અંગે મ્યુનિ. રિક્રિએશનલ કમિટીનાં ચેરપર્સન બીજલ પટેલને સીધો સવાલ કરતાં તેઓ કહે છે કે, “જે દિવસે આ ત્રણ ટેન્ડર કમિટીમાં મંજૂર કરાયા તે દિવસે હું અંગત કારણસર કમિટીમાં ગેરહાજર હતી, જોકે ૪ર ટકા જેટલા નીચા ભાવ ખરેખર ચોંકાવનારા છે. તંત્રનો અંદાજ ખામીભર્યો હતો કે કેમ વગેરે બાબતો તપાસને યોગ્ય છે. હું આ દિશામાં ચોક્કસ તપાસ કરાવીશ. ગયા વર્ષ કરતાં આ વર્ષે ટ્રીગાર્ડના ભાવ ઓછા આવ્યા છે તેવો તંત્રનો ખુલાસો સંતોષકારક નથી.

You might also like