ટ્રીગાર્ડ પાછળ લાખોનો ખર્ચ પણ ૪૦ ટકા રોપા જ બચે છે

અમદાવાદ: આપણું અમદાવાદ હવે માત્ર સિમેન્ટ-કોંક્રીટનું જંગલ બનીને રહી ગયું છે. શહેરના ચાર ટકા વિસ્તારમાં જ હરિયાળી છે. મ્યુનિ. સત્તાધીશો દ્વારા શહેરને હરિયાળું કરવા પાછળ અવનવા કાર્યક્રમનાં આયોજન કરી દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ રસ દાખવતા ન હોઇ ગ્રીન અમદાવાદનું સ્વપ્ન રોળાઇ રહ્યું છે. ચાલુ ચોમાસાની સિઝન દરમ્યાન મ્યુનિ. તિજોરીમાંથી ટ્રીગાર્ડ પાછળ રૂ.૮૦ લાખ ખર્ચાશે. તેમ છતાં માંડ ચાલીસ ટકા રોપા જ ઉછેરાશે તેવી ચોંકાવનારી કબૂલાત ખુદ તંત્ર કરે છે.

આ વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ માટે તંત્રે કુલ ૧૭,પ૦૦ ટ્રીગાર્ડની ખરીદી કરી છે. એક ટ્રીગાર્ડની પાછળ અંદાજે રૂ.૪પ૬ ખર્ચાયા છે એટલે કે લગભગ રૂ.૭૮.૮૦ લાખના ખર્ચે વૃક્ષારોપણ માટે ટ્રીગાર્ડ ખરીદાયાં હતાં. ટ્રીગાર્ડમાં સફળતાનું પ્રમાણ આઘાતજનક રીતે ફક્ત ૪૦ ટકાનું છે ! બીજા અર્થમાં ૬૦ ટકા રોપાઓ ટ્રીગાર્ડથી સુરક્ષિત હોવા છતાં એક અથવા બીજા કારણથી નાશ પામી રહ્યા છે. આ અંગે ખુદ મ્યુનિ. બાગ-બગીચાના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલ નિખાલસ કબૂલાત કરે છે તેઅો કહે છે, જેટલાં પણ ટ્રીગાર્ડ રોપાની માવજત માટે પૂરાં પડાઇ રહ્યાં છે તે પૈકી ફક્ત ૪૦ ટકા ટ્રીગાર્ડ જ રોપાના સંવર્ધન માટે ઉપયોગી પુરવાર થયાં છે. અન્ય કિસ્સાઓમાં ટ્રીગાર્ડ હોવા છતાં રોપા નાશ પામે છે!

જોકે મ્યુનિ. રિક્રીએશનલ કમિટીનાં ચેરપર્સન બીજલ પટેલ પોતાના વિભાગના ઉચ્ચ અધિકારીની નિખાલસ કબૂલાતથી ખફા થયા છે. તેઓ રોષપૂર્વક કહે છે કે જિજ્ઞેશભાઇની વાતમાં કોઇ દમ નથી! ખરેખર તો ટ્રીગાર્ડમાં સફળતાનું પ્રમાણ ૪૦ ટકા નહીં, પણ ૬૦ ટકા છે ! મેં જ્યાં-જ્યાં વૃક્ષારોપણ કર્યું છે ત્યાં-ત્યાં રોપાઓમાં સડસડાટ વૃદ્ધિ જોવા મળે છે.

બાગ-બગીચા વિભાગના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલ કહે છે કે જેટલા પણ રોપાઓ ટ્રીગાર્ડથી સંરક્ષિત છે તે પૈકી દશ ટકા રોપા તો સમયસર પાણી ન મળવાથી ‘માવજત’ના અભાવે બળી જાય છે. આવા કિસ્સાઓમાં ટ્રીગાર્ડ મૂકવા છતાં રોપાને બચાવી શકાતા નથી.

ખાનગી કોન્ટ્રાક્ટરોને ફૂટપાથ, સેન્ટ્રલ વર્જ, આઇલેન્ડ વગેરે સ્થળોએ વાવેલા રોપાને ટેન્કર મારફતે પાણી પિવડાવવા માટે વર્ષોવર્ષ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાતા હોવા છતાં દશ ટકા રોપા પાણીના અભાવે બળી જવાથી હવે કોર્પોરેશનનાં ટેન્કર જ રોપાને પાણી પીવડાવે છે. બાગ-બગીચા વિભાગના ડાયરેક્ટર વધુમાં કહે છે કે ચાલુ વર્ષે કોર્પોરેશનનાં બાર ટેન્કર મારફતે રોપાને પાણી પીવડાવાઇ રહ્યું છે.

કોર્પોરેશનના સત્તાવાળાઓ ટ્રીગાર્ડ હોવા છતાં રોપાઓ નાશ પામતા હોવાનાં કારણો રજૂ કરતાં વધુમાં જણાવે છે કે કેટલાક કિસ્સાઓમાં રખડતી ગાયો રોપા ચાવી જાય છે. અમુક કિસ્સાઓમાં રાહદારીઓ રોપાનો નાશ કરે છે જ્યારે અનેક વખત ટ્રીગાર્ડ પાછળની દુકાનોના દુકાનદારો ટ્રીગાર્ડને ઉખાડીને રોપા ફેંકી દે છે.

You might also like