ભાજપને સાથી પક્ષોની ચેતવણીઃ વાજપેયી જેવો અમારી સાથે વર્તાવ કરો

નવી દિલ્હી: ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટસત્ર પહેલાં એનડીએના સાથી પક્ષોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. અકાલીદળનું કહેવું છે કે સરકાર અમને નબળા ન સમજે. અમારી સાથે અટલબિહારી વાજપેયી જેવો વર્તાવ અને વ્યવહાર કરતા હતા એવો વર્તાવ અને વ્યવહાર ભાજપ હાઈકમાન્ડે કરવો જોઈએ.

વેંકૈયા નાયડુના નિવાસસ્થાને બજેટસત્ર પહેલાં એક મત બનાવવા એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત સુખબીરસિંહ બાદલ, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર હતા. મીડિયા અહેવાલ અનુસાર બાદલે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે એનડીએમાં સામેલ સાથી પક્ષોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ (નબળા) માનવામાં આવે છે. ભાજપે વાજપેયી જે રીતે સાથી પક્ષોને સાંભળતા હતા તે રીતે સાંભળવા જોઈએ.

બાદલે જણાવ્યું હતું કે ભાજપે ગઠબંધન જારી રાખવા માટે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. બાદલે પંજાબના ભાજપ નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હાઈકમાન્ડે પોતાના નેતાઓને કાબૂમાં રાખવા જોઈએ. થોડા સમય પહેલાં પંજાબના ભાજપના નેતાઓએ અકાલીદળ સાથે ગઠબંધન તોડવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ સાથે ન તો મુસ્લિમો છે કે ન તો ખ્રિસ્તીઓ, આ સ્થિતિમાં શીખો તેમને સપોર્ટ કરે છે તો તેમને પક્ષથી અલગ કરવાની કોશિશ કેમ થઈ રહી છે એવું બાદલે જણાવ્યું હતું.

You might also like