ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર માર્ચ ૨૦૧૬માં ઘરેથી પૈસા લીધા વગર નીકળી ગયો હતો. તેણે યાત્રા દરમિયાન કારના રિપેરિંગમાં ૨૦,૦૦૦ યુરો (લગભગ ૧૫,૬૨,૦૦૦ રૂપિયા) ખર્ચ્યા હતા. મજાની વાત એ છે કે આ પૈસા લોકોની મદદ અને કામ કરીને કમાયા હતા.

વેકરે પોતાની ઈલેક્ટ્રિક કાર ફોક્સ વેગનથી નોર્વેથી ઈરાન અને મ્યાનમારથી યુએઈ સુધીની યાત્રા કરી હતી. આ સફરનો આખરી પડાવ સિડની હતો. વેકરે કહ્યું હતું કે આ દરમિયાન થયેલા ખર્ચનું આકલન કરવું મુશ્કેલ છે. યાત્રામાં ભોજન અને રહેવા માટે જગ્યા મફતમાં જ મળી ગઈ હતી.

વેકરે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન ઘણા બધા લોકોએ મારી મદદ કરી હતી. મેં મિડલ ઈસ્ટ અને ભારતના અસુરક્ષિત વિસ્તારોની યાત્રા કરી. દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ માનવતાનો પરિચય આપ્યો. વેકરનો ‘પ્લગ મી ઈન’ પ્રોજેક્ટ લોકોને મદદની ત્રણ રીતનો વિકલ્પ આપે છે. પહેલું ભોજન, બીજું રહેવા માટે જગ્યા અને ત્રીજું તેમના વાહનને ચાર્જ કરવાની વ્યવસ્થા.

વેકરે ૧૦ વર્ષ પહેલાં એક સાહસિક વિક વેકરના રૂપમાં આ યોજના બનાવી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે મેં યાત્રાની શરૂઆત કરી તો રૂટને લઈને કોઈ પણ વસ્તુની જાણ ન હતી. ક્યારેય વિચાર્યું ન હતું કે આ એટલું લાંબું થશે, પરંતુ યાત્રા દરમિયાન ઘણા બધા લોકોએ મને રહેવાની જગ્યા આપી અને મદદ કરી. આનંદ લેવા માટે જીવનમાં પહેલો મોકો મળ્યો.

વેકરે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું. કારમાં વાસ હટાવવા માટે કોફી ડિન્સ રાખવાં પડ્યાં હતાં. પૈસા ભેગા કરવા માટે ઘણી વાર જોબ પણ કરી. વેકરે કહ્યું કે ભારતમાં કારની પાછળના ટાયર ખરાબ થઈ ગયાં હતાં. શોર્ટ સર્કિટથી ચાર્જરમાં પણ વિસ્ફોટ થયો હતો. મેં ક્રાઉડ ફન્ડિંગથી ચાર લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને કારને ઠીક પણ કરાવી.

You might also like