ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીના પ્રથમ મુકાબલા માટે યજમાન ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઊતરશે. એવું પહેલી વાર બનશે, જ્યારે ભારતીય ટીમ મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીમાં ટી-૨૦ શ્રેણી રમશે.

આ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ધોનીની કેપ્ટનશિપમાં ત્રણ ટી-૨૦ શ્રેણી રમી હતી, જેમાંથી એકમાં જીત અને એકમાં પરાજય થયો હતો. એક શ્રેણી ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા છ ટી-૨૦ મુકાબલામાંથી ચાર ભારતે જીત્યા છે અને એ બધા મુકાબલામાં ધોની જ વિકેટકીપર હતો.

ભારતીય પસંદગીકારોએ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં નવા વિકેટકીપરને તક આપવા માટે ધોનીને ટીમની બહાર કરી દીધો. આથી હવે ધોનીના ભવિષ્ય પર પણ સવાલો ઊઠવા માંડ્યા છે. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લઈ જ લીધી છે.

હવે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનારા વન ડે વર્લ્ડકપ બાદ ક્રિકેટના બધાં જ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેવાનો છે. જ્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટી-૨૦ શ્રેણીની વાત છે તો પસંદગીકારોએ ઋષભ પંતને વિકેટકીપર અને દિનેશ કાર્તિકને ખાસ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કર્યા છે. જોકે તાજેતરમાં જ વિન્ડીઝ સામે પૂરી થયેલી ટી-૨૦ શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્માએ કાર્તિક પાસે વિકેટકીપિંગ કરાવ્યું હતું અને પંતને ખાસ બેટ્સમેન તરીકે રમાડ્યો હતો.

હવે એ જોવું રહ્યું કે કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ શ્રેણીમાં શું કરે છે. દિનેશ કાર્તિક નિષ્ણાત બેટ્સમેન તરીકે ઓસ્ટ્રેલિયામાં એક ટી-૨૦ મેચ રમી ચૂક્યો છે, જ્યારે ઋષભ માટે ઓસ્ટ્રેલિયન કન્ડિશનમાં રમવું એક પડકાર રહેશે.

સર્વશ્રેષ્ઠ ક્રિકેટીય દિમાગની ઊણપ સાલશે
ધોની એક શાનદાર કેપ્ટન અને વિકેટકીપર જ નહીં, એક સર્વશ્રેષ્ઠ ક્રિકેટીય દિમાગવાળો ક્રિકેટર પણ રહ્યો છે, આથી જ તેની ગેરહાજરી ફક્ત વિકેટકીપિંગ અને બેટિંગમાં જ નહીં, બલકે વિરાટ કોહલીના નિર્ણયો પર પણ પડશે જ. એવું જોવામાં આવ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના DRS લેવાના મોટા ભાગના નિર્ણયો ખોટા સાબિત થયા છે, જ્યારે નિર્ધારિત ઓવરમાં DRS લેવાના નિર્ણયો મોટા ભાગે સાચા સાબિત થાય છે.

આની પાછળું કારણ એ છે કે અત્યાર સુધી ટી-૨૦ અને વન ડેમાં વિકેટની પાછળ ધોની રહેતો હતો અનેતે વિરાટને સાચી સલાહ આપતો હતો. ધોનીનું ક્રિકેટીય દિમાગ શાનદાર છે, જેની બરોબરી કરવી ઋષભ અને દિનેશ માટે સંભવ નથી.

ધોનીની હાજરીથી વિરાટને નિર્ણયો કરવામાં સરળતા રહેતી હતી એટલું જ નહીં, દુબઈમાં જ્યારે એશિયા કપમાં વિરાટ ટીમમાં નહોતો અને રોહિતને આરામ આપવામાં આવ્યો હતો ત્યારે ધોનીએ કેપ્ટનશિપ સંભાળી હતી. જોકે ઋષભ પંતને ભવિષ્યનો ધોની બતાવાઈ રહ્યો છે. તેની બેટિંગ નિર્ધારિત ઓવરના ક્રિકેટ માટે શાનદાર છે. જોકે ઋષભે હજુ ઘણું શીખવાનું બાકી છે.

You might also like