સરકારના અન્ય વિભાગની આઉટસોર્સિંગ એજન્સીઓની પારદર્શક તપાસ કરોઃ કોંગ્રેસ

ગાંધીનગર : શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ચાલતાં ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રો માટે જરૂરી માનવબળ પૂરી પાડતી ત્રણ એજન્સીઓ કર્મચારીઓને નિયમ મુજબ પગારના નાણાં ચૂકવતી ન હોવાની ફરિયાદો બાદ અંતે શ્રમ અને રોજગાર વિભાગે આ ત્રણેય આઉટસોર્સિંગ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની ફરજ પડી છે. ત્યારે રાજયમાં વિવિધ વિભાગોમાં માનવબળ પુરુ પાડતી આઉટસોર્સિંગ એજન્સીઓ આજ રીતે કર્મચારીઓને અપૂરતા નાણાં ચૂકવે છે કે કેમ તે અંગેની સર્વગ્રાહી, પારદર્શક તપાસની માંગણી પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડૉ. મનિષ દોશી દ્વારા કરાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં ગુજરાતના ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતીઓને પૂરા પગાર સાથે નિમણૂંકો આપવા પર રોક લગાવી દીધી છે અને જે ભરતી કરાય છે તે ફિકસ પગારથી અથવા તો કરાર આધારિત કરાય છે. ફિકસ પગારથી ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતીઓનું આર્થિક શોષણ ભાજપ સરકાર લાંબા સમયથી કરી રહી છે. તેવી જ રીતે ઘણાં બધા વિભાગોમાં આઉટસોર્સિંગ એજન્સીઓ મારફત કર્મચારીઓનું વ્યવસ્થા તંત્ર ઉભુ કરાયું છે.

શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ચાલતાં ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં આ રીતે વર્ષ ૨૦૧૦થી એટલે કે છેલ્લા ચાર વર્ષથી આઉટસોર્સિંગ એજન્સીઓ સામે ઘણી બધી ફરિયાદો થઈ હતી. જેના લીધે શ્રમ રોજગાર વિભાગે આઉટસોર્સિંગ એજન્સીઓને બ્લેકલિસ્ટેડ કરી છે. ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં ત્રણ મહિના કરતાં વધુ સમયથી કર્મચારીઓનો પગાર થયો નથી. કર્મચારીઓને ઓળખપત્ર, ગણવેશ અને અન્ય નિયમ મુજબ ચૂકવવાપાત્ર રકમ આઉટસોર્સિંગ એજન્સીઓ આપતી નથી.

તો પછી આ ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રો પર અનિયમિતતા ગેરરીતિ અંગે ભાજપ સરકાર તપાસ કેમ કરતી નથી? શું આમાં કોઈ મોટા માથાંનું નામ આવે છે? ભાજપ સરકાર લિસ્ટેડ અને બ્લેકલિસ્ટેડ કરેલી આઉટસોર્સિંગ એજન્સીઓની સર્વગ્રાહી તપાસની માંગ કરતાં ડૉ. દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના આશીર્વાદથી અન્ય વિવિધ વિભાગોમાં કાર્યરત આઉટસોર્સિંગ એજન્સીઓની શું આ પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે કે નહીં?

ત્રણેય આઉટસોર્સિંગ એજન્સી શ્રમ અને રોજગારમાં બ્લેકલિસ્ટેડ થઈ હોય તો તે હાલમાં અન્ય કોઈ વિભાગોમાં કામ કરે છે કે નહીં? આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે કોણ કોણ વિભાગીય અધિકારીઓ અને શાસકપક્ષના સભ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ છે કે નહીં? શ્રમ અને રોજગાર હેઠળના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં વિવિધ ખરીદી, ટેન્ડર પ્રક્રિયા અંગે કોઈ તપાસ અહેવાલ આવ્યો છે કે નહીં? આ તમામ મુદ્દા અંગે ગુજરાતના નાગરિકો જાણવા માંગે છે.

આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા માનવબળ કર્મચારીઓને વિવિધ વિભાગોમાં લેવાને બદલે ભાજપ સરકાર રાજ્યના ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતીઓને પૂરા પગાર સાથે મેરિટ આધારે નોકરી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગણી પણ ડૉ. દોશીએ કરી છે.

You might also like