બદલી પામેલા કેન્દ્રીય કર્મીનાં બાળકોને હવે સ્કૂલોમાં ક્વોટાનો લાભ મળશે

નવી દિલ્હી: દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્કૃતિ સ્કૂલમાં પ્રવેશમાં અે-ગ્રૂપના અધિકારીઓનાં બાળકો માટેનો ૬૦ ટકા ક્વોટાનો અધિકાર સમાપ્ત થઈ ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે સ્કૂલને આદેશ કર્યો છે કે ૬૦ ટકા ક્વોટામાં બદલી પામેલા તમામ કેન્દ્રીય કર્મચારીઓનાં બાળકોને તેનો લાભ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વચગાળાનો આદેશ આ શૈક્ષણિક સત્ર માટે આપ્યો છે.

સંસ્કૃતિ સ્કૂલમાં પ્રવેશમાં અે-ગ્રૂપના અધિકારીઓનાં બાળકો માટે ૬૦ ટકા કવોટા હતો, જેને દિલ્હી હાઈકોર્ટે રદ કરી દીધો હતો. તેની સામે કેન્દ્ર સરકારના કર્મચારીઓઅે સુપ્રીમમાં અરજી કરી હતી. ન્યાયમૂર્તિ અે.આર. દવેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની ખંડપીઠે ગઈ કાલે આ કેસની સુનાવણી બાદ આ વચગાળાનો આદેશ આપ્યો હતો, જેમાં કોર્ટે સ્પષ્ટતા કરી છે કે તે દિલ્હી સરકારનો ક્વોટા સમાપ્ત કરવાની નવી નીતિ અંગે કોઈ વિચાર પ્રકટ કરતી નથી. કોર્ટે જણાવ્યું કે દિલ્હી સરકારની નવી નીતિ અંગે હાઈકોર્ટમાં ચાલતા આ કેસ પર આ આદેશની કોઈ અસર નહિ થાય. આ વચગાળાનો આદેશ માત્ર આ શૈક્ષણિક સત્ર ૨૦૧૬-૧૭માં પ્રવેશ અંગે આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત સંસ્કૃતિ સ્કૂલમાં પ્રવેશનો ૬૦ ટકા કવોટા સમાપ્ત કરનારા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ દાખલ થયેલી કેન્દ્ર સરકાર અને સંસ્કૃતિ સ્કૂલની અરજીઓ વિચારણા માટે સ્વીકારી લેવામાં આવી છે.

આ માટે પ્રતિપક્ષી પાર્ટીઓનો જવાબ દાખલ કરવા માટે છ સપ્તાહનો સમય આપતાં કોર્ટે અરજીઓને અેપ્રિલમાં સુનાવણી માટે રજૂ કરવા આદેશ આપ્યો છે. આ પહેલાં ચર્ચા દરમિયાન સ્કૂલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે સ્કૂલે અે ગ્રૂપના અધિકારીઓનાં બાળકો માટે પ્રવેશમાં ૬૦ ટકા ક્વોટા અેટલા માટે રાખ્યો હતો કે આ વર્ગના અધિકારીઓની બદલીઓ થતી રહે છે અને જો કવોટા નહિ હોય તો બાળકોને પ્રવેશમાં મુસીબત પડશે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે પહેલાં જ આ બાબતે સોગંદનામું દાખલ કરી ચૂકી છે કે ૬૦ ટકા ક્વોટામાં માત્ર અે-ગ્રૂપને જ નહિ, પરંતુ બી અને સી ગ્રૂપના અધિકારીઓનાં બાળકોને પણ પ્રવેશ આપવામાં આવે. બીજી તરફ કવોટાનો વિરોધ કરનારા વકીલોઅે દલીલ કરી હતી કે આવા તર્કના આધારે આર્મી મેડિકલ કોલેજે પણ ૧૦૦ ટકા કવોટા રાખ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. તેથી આ કેસમાં પણ સંસ્કૃતિ સ્કૂલમાં અધિકારીઓનાં બાળકો માટેનો કવોટા સમાપ્ત કરવામા આવે. કોર્ટે તમામની દલીલો સાંભળ્યા બાદ વચગાળાનો આદેશ આપ્યો હતો.

You might also like