કિન્નરની દફનાવેલી લાશ બહાર કાઢી પીએમ કરાવવા પતિનો દાવો કરતા યુવાનની માગણી

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં કિન્નર સોનુદેએ કરેલી આત્મહત્યાના ચકચારી કેસમાં પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વગર મૃતદેહ કિન્નર સમાજને સોંપી દેવાનો વિવાદ હજુ સુધી થાળે નથી પડ્યો ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. બે કિન્નરોના ત્રાસથી સોનુદેએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કરતી અરજી શાહનવાઝ નામના યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં કરી છે. સોનુદેનો પતિ હોવાનો દાવો કરતા શાહનવાઝે લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની પણ માગ કરી છે.

મણિનગર વિસ્તારમાં આવેલ ઉત્તમનગર બગીચા પાસેના મકાનમાં એક અઠવાડિયા પહેલા કિન્નર સોનુદે માસીએ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરતાં સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સોનુદેનાં મોતની જાણ કિન્નર સમાજને થતાં તે મોડી રાતે એલજી હોસ્પિટલમાં દોડી આવ્યાે હતાે. તબીબોએ સોનુદેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વાત કરી ત્યારે કિન્નર સમાજના આગેવાનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો ઇન્કાર કર્યો હતો. હોસ્પિટલના નવમા માળ પર કિન્નર તેમજ તબીબો વચ્ચે થયેલી બોલાચાલીથી ભારે ઊહાપોહ મચી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ મણિનગર પોલીસને થતાં મોડી રાતે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અન્ય પોલીસકર્મીનો કાફલો હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

સોનુદેના પોસ્ટમોર્ટમ મામલે પોલીસ અને કિન્નરો વચ્ચે પણ ઘણા સમયથી સુધી રકઝક ચાલી હતી. કિન્નર સમાજ રીત રિવાજ મુજબ સોનુદેની અંતિમવિધિ કરવા માગતા હોવાથી પોસ્ટમોર્ટમ કરવા માટેનો ઇન્કાર કરી દીધો હતો અને તેની લાશ પણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસ અને કિન્નરો વચ્ચે થયેલી લાંબી રકઝક બાદ પોલીસ પોસ્ટમોર્ટમ કર્યા વગર સોનુદેની લાશને આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. આ ઘટના બાદ કિન્નર સમાજે સોનુદેની લાશની સાબરમતી રિવરફન્ટ પાસે દફનવિધિ કરી હતી.

સોનુદેના મોત મામલે તેના પતિ શાહનવાઝે મણિનગર પોલીસ સ્ટેશનમાં કામિનીદે અને દામિનીદે નામનાં બે કિન્નર વિરુદ્ધમાં અરજી કરી છે. અરજીમાં કરેલા આક્ષેપ પ્રમાણે તારીખ 29મી માર્ચના રોજ કામિનીદેએ તેનાં મકાનમાં સોનુદેને કોઇ કારણસર બેઝબોલની સ્ટીકથી ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ તેને લાલ દરવાજા ખાતે ઉતારી જતા રહ્યા હતા. શાહનવાઝ સોનુદેની એલજી હોસ્પિટલમાં સારવાર કરાવીને ઘરે લાવ્યો હતો ત્યારબાદ સાંજે સોનુદેએ શાહનવાઝને ફોન કર્યો હતો અને કામિનીદે મને બહુ હેરાન કરે છે અને મને મારી નાખવાની ધમકી આપે છે, જેથી તેના ત્રાસથી ઝેર પીધું હોવાનું જણાવ્યું હતું. શાહનવાઝે પોલીસ સમક્ષ સોનુદેની લાશનું પોસ્ટમોર્ટમ થાય તેવી માગ કરી છે. આ મામલે મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.સી. ખરાડીએ જણાવ્યું છેકે સોનુદે મોત મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like