નવા વર્ષમાં ટ્રેન પ્રવાસ મોંઘો થશેઃ વર્ષમાં બે વાર ભાડાં વધશે

નવી દિલ્હી: આગામી વર્ષથી રેલવે પ્રવાસીઓને ટ્રેનમાં સફર કરવા માટે પોતાનાં ખિસ્સાં વધુ ઢીલાં કરવાં પડશે. કેન્દ્ર સરકારે રેલ ભાડાને ગ્રાહક ભાવાંક (સીપીઆઇ) સાથે લિંક કરવાનો વિચાર કર્યો છે. આવું જો થશે તો વર્ષમાં રેલવે મંત્રાલય ઓછામાં ઓછા બે વખત ટ્રેનનાં ભાડાં વધારી શકશે. એડ્વાન્સ બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પણ મુસાફરી દરમિયાન વધેલાં ભાડાંનો ડિફરન્સ ચૂકવવો પડશે. ફેબ્રુઆરીમાં રજૂ થનારા સામાન્ય બજેટ સમયે તેની જાહેરાત થઇ શકે છે.

રેલવે મંત્રાલયે આર્થિક તંગીને લઇને સપ્ટેમ્બર મહિનામાં રાજધાની-શતાબ્દી ટ્રેનોમાં ફલેક્સી ફેરનો અમલ શરૂ કરી દીધો છે. તેનાથી આવી ટ્રેનોના તમામ વર્ગોનું ભાડું મહત્તમ પ૦ ટકા જેટલું વધી ગયું છે. સેકન્ડ એસીનું ભાડું લગભગ વિમાન ભાડાંની સમકક્ષ થઇ જતાં હવેે રેલવે પ્રવાસીઓ વિમાન પ્રવાસ તરફ વળતાં રેલવે પ્રવાસીઓની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

જોકે રેલ ભાડા ખાતામાં ગયા વર્ષે ૩૩,૪૯૦.પ૦ કરોડની ખોટને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય ભાડું નક્કી કરવા માટે હવે ગ્રાહક ભાવાંક સાથે લિંક કરવા માટે વિચારણા કરી રહ્યું છે. ડિસેમ્બરમાં યોજાયેલ રેલ ચિંતન શિબિરમાં રેલવેના અધિકારીઓને આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શિબિરમાં હાજર હતા. આ શિબિરમાં કુલ ૧.૧પ લાખ સૂચન આવ્યા હતા, જેમાંથી એક સૂચન રેલવે ભાડાને ગ્રાહક ભાવાંક સાથે જોડવાનું હતું. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે વર્ષમાં બે વખત ટ્રેન ભાડા (પાંચ થી છ ટકા) સમીક્ષા કરીને સીપીઆઇના દર મુજબ વધારી શકશે.

http://sambhaavnews.com/

You might also like