અમદાવાદ-બોટાદ લાઇન પર ડિસેમ્બરથી શરૂ થશે ટ્રેન

અમદાવાદ: અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે, જેના કારણે ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો મળશે.

અમદાવાદથી ભાવનગર માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવા ટાર્ગેટ સાથેની કામગીરી પુરજોશમાં ચાલુ છે. રેલવે ટ્રેક ઉપર બોટાદથી હડાલા-ભાલ સુધીના ૪૦ કિ.મી.ના માર્ગ ઉપર સફળતાપૂર્વક એન્જિનનું ટેસ્ટિંગ પણ પૂરું કરવામાં આવ્યું છે.

આ ટ્રેકના બ્રોડગ્રેજ કન્વર્ઝનની કામગીરી ચાલુ છે. ૬૫ ટકાથી વધુ કામ પૂરું કરાયું છે. આ મહિનાના અંત સુધીમાં વધુ ૨૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ કન્વર્ઝન થઈ જશે, જેથી કુલ ૬૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ ટ્રેક થશે. અમદાવાદ-બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૨-૧૩માં મંજૂર થયો હતો. પ્રોજેક્ટની કિંમત તે સમયે ૮૦૦ કરોડ અંદાજવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટની કિંમત વધીને ૧૧૪૩ કરોડ થઈ છે.

આ લાઈન ઉપર આવેલાં ૧૨ રેલવે સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરશે, જેમાં મોરૈયા, મટોડા, તગડી, ધંધૂકા, સરખેજ, બાવળા, ધોળકા અને ગોધનેશ્વરનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર ઈલેક્ટ્રિફિકેશનનું કામ બાકી છે.

હવે નવા માર્ગ ઉપર ઈલેક્ટ્રિફાઈડ રેલવે હશે. આ કામ આરવીએનએલ ઉપરાંતના એક યુનિટ દ્વારા અલગથી થશે. આગામી ડિસેમ્બર સુધીમાં તમામ કામગીરી પૂરી કરવામાં આવશે.

You might also like