ટ્રેનની ટિકિટ પર ચા-પાણી અને ભોજનના ભાવ પ્રિન્ટ થશે

અમદાવાદ: રેલવે મુસાફરો પાસેથી રેલવે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવો ઉપરાંત ચા-કોફી કે ભોજનના બમણા ભાવ વસૂલતા રેલવે કેટરર્સ પર તવાઈ આવશે. રેલવે પેસેન્જરોની બમણા ભાવ વસૂલીની વ્યાપક ફરિયાદોને પગલે રેલવે તંત્રએ બે વર્ષથી નક્કી કરેલા નિયમ હવે અમલી બનાવવાનું નક્કી કર્યું છે. તે મુજબ રેલવે ટિકિટ પર હવે ચા-પાણી ભોજનના ભાવ પ્રિન્ટ કરીને મુસાફરોને ટિકિટ અપાશે.

રેલવે તંત્રને મળેલી ફરિયાદ અનુસાર ટ્રેનમાં ચાના રૂપિયા ૫ના બદલે ૧૦, વેજ ભોજનના રૂ.૫૦ના બદલે ૧૦૦ કોફીના રૂ.૧૦ના બદલે ૨૦ અને સેન્ડવીચ સહિતના નાસ્તાના રૂ.૩૦ના ૬૦ ઉઘરાવાતા હતા. કેટરિંગ સ્ટાફ દ્વારા ચલાવાતી બેફામ લૂંટ પર અંકુશ મૂકવા માટે હવે રેલવે તંત્ર ટ્રેન ટિકિટ પર તમામ ખાદ્યસામગ્રીના ભાવ પ્રિન્ટ કરશે.

આઈઆરસીટીસી દ્વારા રેલ ટિકિટ પર આખે આખું મેનુ ભાવ સાથે ટિકિટની પાછળની બાજુ પ્રિન્ટ કરાશે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને સસ્તું અને ગુણવત્તાયુક્ત જમવાનું અને નાસ્તો મળી રહે તે માટે આઈઆરસીટીસી (ઈન્ડિયન રેલવે ટેકટિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા દરેક ટ્રેનમાં એક પેન્ટ્રીનો કોચ એકસ્ટ્રા આપવામાં આવે છે.

રેલવે તંત્રએ મુસાફરોને પૂરા પાડવામાં આવતા ચા-કોફી, નાસ્તા કે ભોજનના ભાવ નક્કી કરેલા છે. તે કરતાં વધુ ભાવ વસૂલી શકાય નહીં. પરંતુ મુસાફરો ક્યારેક જ ટ્રેનમાં મુસાફરી કરતા હોઈ તેમને ભોજનના ભાવની ખબર હોતી નથી. એટલું જ નહીં કેટરિંગ સ્ટાફ તેમને રેટ કાર્ડ પણ આપતા નથી. તેથી કેટરિંગ સ્ટાફ જે ભાવ કરે તે પ્રમાણે મુસાફરો રૂપિયા ચૂકવે છે. મુસાફરોની અજ્ઞાનતાનો ભરપૂર ફાયદો કેટરિંગ સ્ટાફ ઉઠાવે છે. આ બાબતે વારંવાર અનેક ફરિયાદો રેલવે તંત્રને મળતી રહે છે.

વર્ષ ૨૦૧૪માં રેલવેની ઈ-ટિકિટ પર મેનુ છપાવવાની વાત તંત્ર દ્વારા જાહેર કરાઈ હતી પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. હવે લાંબા સમયગાળા બાદ રેલ મુસાફરોના હિતમાં આઈઆરસીટીસીએ ટિકિટની પાછળ મેનુ કાર્ડ અને ભાવ છપાવવાનો નિર્ણય લીધો છે. જેનો અમલ આગામી માર્ચથી કરવામાં આવશે. તેવું આઈઆરસીટીસી મુંબઈના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં પાણીની બોટલ, કોલ્ડ ડ્રિંકના ભાવ પણ છપાયેલા રહેશે.
http://sambhaavnews.com/

You might also like