ટ્રેનની મુસાફરીમાં ‘જાગતે રહો’

અમદાવાદ: શિયાળાની મોસમમાં ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ લઇ ચોરીના બનાવોમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ટ્રેનમાંથી ૧પ જેટલી ચોરીના બનાવો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ લેડીઝ પર્સની અને મોબાઇલ ફોનની ચોરી થઇ હોય તેવી ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદ રેલવે પોલીસે ટ્રેનમાં ચોરી કરતી ગેંગ અને ચોર વિશે માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર દરરોજ ૧૦૦થી વધુ ટ્રેનોની અવરજવર રહે છે. હજારો પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં પેસેન્જર રાત્રીના સમયે ઊંઘની મજા માણતા હોય તે તકનો લાભ લઇ ચોર-લૂંટારુઓ પેસેન્જરના કિમતી સર-સામાનની ચોરી કરી ફરાર થઇ જતા હોય છે.

ખાસ કરીને ટ્રેનના સ્લીપર કોચમાં અને એસી કોચમાં ચોરીના બનાવો વધુ બને છે. રાજધાની એકસપ્રેસમાં છેલ્લા અઠવાડિયામાં બે વખત મોબાઇલ ફોન ચોરીના બનાવો બનવા પામ્યા છે. સૌરાષ્ટ્ર તરફથી આવતી જનતા એકસપ્રેસમાં પણ સૌથી વધુ ચોરીના બનાવો સામે આવ્યા છે.

ટ્રેનમાં લાઇટ બંધ હોવાનો ફાયદો ઉઠાવી ચોર રૂ.૮ લાખના દાગીના ભરેલી બેગ ઉઠાવી ગયો હોવાની ઘટના પણ સામે આવી છે. રાજકોટમાં મનાલી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા દુકાનદાર અમદાવાદ-હાવડા એકસપ્રેસમાં રાત્રીના સમયે ડબ્બામાં બેઠા હતા તે સમયે લાઇટ બંધ હતી અને તેઓએ તેમની બેગ સીટ નીચે મૂકી હતી. દરમ્યાનમાં કોઇ અજાણી વ્યક્તિ તેઓના દાગીના ભરેલી બેગ લઇ ફરાર થઇ ગઇ હતી.

મોટા ભાગે ચોર સીટમાં પડેલાં લેડીઝ પર્સની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. અથવા તો ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલ ફોન લઇને નાસી જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પેસેન્જરોની ભૂલના કારણે ચોરને મોકળું મેદાન મળી જાય છે.

અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં પી.આઇ. રાઠવાએ જણાવ્યું હતું કે ટ્રેનમાં ચોરી કરતા શખસોને રેલવે એલસીબી ઝડપતી હોય છે. હાલમાં શિયાળાની મોસમ હોઇ મુસાફરોની ઊંઘનો લાભ લઇ ચોર ચોરી કરી ફરાર થઇ જાય છે. અમે આવી ચોરી અંગે તપાસ કરી રહ્યા છીએ.

રૂપિયા ર લાખની મતાની ચોરીના મામલે, મહિલાએ રેલવે પ્રધાનને ટ્વિટ કર્યું
અમદાવાદથી આવતી જતી ટ્રેનોમાંથી ચોરીના બનાવ મામલે ર૪મી ફેબ્રુઆરીએ ગરીબ રથ એકસપ્રેસમાંથી એક મહિલાનું રૂ. બે લાખની મતા ભરેલા પર્સની ચોરી થઇ હતી. આ અંગે મુંબઇના રહેવાસી રેખા મુનાથે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ર૪મીએ ફરીયાદ નોંધાવ્યાના ત્રણ દિવસ પછી પણ ગુજરાત રેલવે પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહોતી કરાઇ અને તેઓને ગોળગોળ જવાબ અપાતાં આખરે તેઓએ રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને રેલવે મંત્રાલયને ટ્વિટ કરવું પડ્યું હતું. તેઓના ટ્વિટમાં જણાવ્યા મુજબ ગરીબ રથ એકસપ્રેસમાં ટીટીઇ દ્વારા ફરિયાદ લીધા બાદ ગુજરાત રેલવે પોલીસ દ્વારા તેમનો કોઇ સંપર્ક કરાયો નથી અને ચોરી મામલે કોઇ કાર્યવાહી થઇ નથી. જોકે ત્રણ દિવસ બાદ આ અંગે રેલવે મંત્રાલયે ટ્વિટર દ્વારા તેઓને તેમની ફરિયાદને યોગ્ય અધિકારી સુધી પહોંચાડી દેવાશે તેવું જણાવ્યું હતું.

કઈ કઈ ટ્રેનમાં ચોરી થઈ
રાજધાની એકસપ્રેસ, સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ, વલસાડ-વીરમગામ પેસેન્જર, અમદાવાદ-હાવડા એકસપ્રેસ, જોધપુર-બેંગલોર એકસપ્રેસ.

http://sambhaavnews.com/

You might also like