દોડતી ટ્રેનની સામે સેલ્ફી લેતી વખતે બે વિદ્યાર્થીનાં મોત

નવી દિલ્હી: પૂર્વ દિલ્હીમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેતી વખતે બે વિદ્યાર્થીનાં મોત થયાં છે. એવું કહેવાય છે કે આ બંને વિદ્યાર્થી મયૂર વિહારમાં રહે છે અને સોમવારે તેઓ સ્કૂલ જવા નીકળ્યા હતા. જોકે આ ઘટનામાં તેમના પરિવારના સભ્યો હજુ કોઈ નિવેદન આપતા નથી. સ્ટન્ટનો વીડિયો પ્રોફેશનલ કેમેરામેન શૂટ કરી રહ્યા હતા.

સાત વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર સેલ્ફી અને ફોટો લેવા માટે આવ્યા હતા. આ સ્ટંટનો વીડિયો પ્રોફેશનલ કેમેરામેન શૂટ કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી સુમન (ઉં.વ. ૧૫) અને યશ (ઉં.વ. ૧૭)ના મોત થયાં હતાં.  ક્રાઈમ એન્ડ રેલવેના ડીસીપી પરવેઝ અહેમદે જણાવ્યું હતું કે અક્ષરધામ રેલવે ટ્રેક પર વિદ્યાર્થીના પાંચ મિત્ર અને વીડિયોગ્રાફી કરી રહેલા શખસની દુર્ઘટના બાદ ખરાબ હાલત થઈ હતી. તેઓ મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા હતા. તેમની બૂમો સાંભળીને સ્થળ પર દોડી આવેલા રેલવેના કર્મચારીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે તમામ વિદ્યાર્થીઓના મોબાઈલ અને કેમેરા જપ્ત કરી લીધા હતા.

ડીસીપી અહેમદના જણાવ્યા પ્રમાણે પોલીસ વીડિયો કેમેરા જપ્ત કરીને તેમના સાથીઓની પૂછપરછ કરી રહી છે. બંને વિદ્યાર્થીઓનાં મોત કઈ ટ્રેનથી થયાં હતાં તે હજુ સુધી સ્પષ્ટ જણાયું નથી. જોકે પૂછપરછ પરથી એવું જાણવા મળ્યું છે કે સાતેય વિદ્યાર્થી પૂર્વ દિલ્હીની મયૂર વિહારની એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને સોશિયલ સાઈટ્સ પર પોસ્ટ કરવા માટે વીડિયો બનાવવા રેલવે ટ્રેક પર આવ્યા હતા. પ્લાન અનુસાર દોડતી ટ્રેન સામેથી બંને વિદ્યાર્થીનો કૂદવાનો વીડિયો બનાવવાનો હતો. કદાચ આનંદવિહારથી નવી દિલ્હી જતી આ ટ્રેનની સ્પીડનો અંદાજ આ વિદ્યાર્થીઓને આવ્યો ન હતો અને તેઓ અકસ્માતનો ભોગ બની ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like