દોડતી ટ્રેન સાથે સેલ્ફી લેવાનાં ચક્કરમાં યુપીમાં ત્રણનાં મોત

વારાણસી: દોડતી ટ્રેન સાથે સેલ્ફી લેવાનાં ચક્કરમાં યુપીમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે. મીરજાપુરમાં બે મિત્રો સેલ્ફી લેવાનાં ચક્કરમાં બ્રહ્મપુત્રા મેલ નીચે કપાઇ ગયા હતા. તો બીજી તરફ સહરાનપુરમાં એક સ્કૂલ વિદ્યાર્થી અજમેર એકસપ્રેસ નીચે કપાઇ ગયો હતો. તે સવારે લટાર મારવા નીકળ્યો હતો અને પાટા પાસે સેલ્ફી લઇ રહ્યો હતો.

પહેલી ઘટના મીરજાપુર જિલ્લાના ચુનાર વિસ્તારના પુરુષોત્તમ રેલવે ક્રોસિંગ પાસેની છે. ચંદોલીના સેમરા ગામમાં રહેનારો ૧૮ વર્ષનો વિનોદ અને ર૦ વર્ષનો તેનો મિત્ર જિતેન્દ્ર મેળો જોવા આવ્યા હતા. શિવશંકરી ધામ મંદિર પર મેળામાં ફર્યા બાદ સાંજે પાંચ વાગે બંને પુુરુુષોત્તમપુર તરફ જવા લાગ્યા હતા.

રેલવે ટ્રેક પર પહોંચ્યા તો બંને યુવક પોતાના સ્માર્ટ ફોનથી સેલ્ફી લેવા લાગ્યા હતા અને ત્યાંથી પસાર થઇ રહેલી બ્રહ્મપુત્રા મેલની ઝપટમાં આવી ગયા હતા. સ્થળ પર જ બંને મૃત્યુ પામ્યાં હતાં. આસપાસમાં ઊભેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને બંનેના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બંનેના પરિવારને જાણ કરાઇ હતી.

બીજી તરફ સહારનપુરના એસએસપી આરપીએસ યાદવે જણાવ્યું કે સિંજરોડ પર રહેનાર ૧૬ વર્ષનો કાર્તિક કક્કડ પોતાના મિત્રો સાથે સવારે ફરવા ગયો હતો.ત્યાંથી પસાર થઇ રહેલી હરદ્વાર-અજમેેર એક્સપ્રેસની ઝપટમાં આવી ગયો હતો. ટ્રેનનાં પૈડાંમાં ફસાઇને કાર્તિક લગભગ પ૦૦ મીટર ઘસડાયો હતો અને તેના બંને પગ અને એક હાથ કપાઇ જતાં ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામ્યો હતો.

અડધાથી વધુ મૃત્યુ ભારતમાં
ભારતમાં સેલ્ફીના ક્રેઝની સાથે જ તેના કારણે થતા મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ગયા વર્ષે આખી દુનિયામાં સેલ્ફી લેતી વખતે ર૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમાંથી અડધાથી વધુ ભારતીયો હતા.

You might also like