નરોડા રોડ પર રિક્ષાચાલકે ટ્રેન ડ્રાઇવરને લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં રિક્ષાચાલકો દ્વારા પેસેન્જરને લૂંટવાના બનાવો ઘટવાનું નામ નથી લેેતા. આવા અનેક બનાવો મોડી રાત્રે જ બનતા હોવા છતાં પોલીસ આવા બનાવોને રોકવામાં નિષ્ફળ ગઇ છે. ગત મોડી રાત્રે રેલવે સ્ટેશનથી નરોડા રિક્ષામાં જતાં રેલવેના ડ્રાઇવરને રિક્ષાચાલક સહિત ચાર શખ્સોએ સૂમસામ જગ્યાએ લઇ જઇ રોકડા રૂ.૩,૦૦૦, રેલવેની વોકીટોકી સહિતનો સામાન મળી કુલ રૂ.ર૧,૮૦૦ની મતા લૂંટી ફરાર થઇ ગયા હતા. શહેરકોટડા પોલીસ. આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નરોડા પાર્શ્વનાથ ટાઉનશિપમાં હસ્સીમલ મરિહાર (ઉ.વ.પપ) પરિવાર સાથે રહે છે. હસ્સીમલ રેલવેમાં અમદાવાદ ડિવિઝનમાં રેલવે ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે ૧-૦૦ વાગ્યાની આસપાસ નોકરી પતાવી ઘરે જવા રેલવે સ્ટેશનથી એક રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અન્ય ત્રણ પેસેન્જર પણ બેઠા હતા.

રિક્ષાચાલકે નરોડા રોડ પર પૂજાલાલની ચાલી નજીક ગલીમાં રિક્ષા લેતાં હસ્સીમલે આ તરફ કયાં લઇ જાવ છો તેમ કહેતાં રિક્ષાચાલક અને તેના સાગરિતોએ ડરાવી ધમકાવી તેમની પાસે રહેલી બેગ, રેલવેની વોકીટોકી, રોકડા રૂ.૩,૦૦૦ મળી કુલ ર૧,૮૦૦ની મતા લૂંટી ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરતાં શહેરકોટડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like