ટ્રેલર અને છકડાે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં ત્રણનાં મોતઃ ચાર વ્યક્તિ ગંભીર

અમદાવાદ: કચ્છ-ભૂજના ગળપાદર ગામ પાસે ટ્રેલર અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે ચારને ગંભીર ઈજાઓ થતાં તમામને ભુજની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા અંગેની વિગત એવી છે કે ગાંધીધામ અને અંજારના લોકો રિક્ષામાં બેસી માતાના મઢથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ભૂજ-ગાંધીધામ રોડ પર ગળપાદરના પાટિયા પાસે સામેથી અાવી રહેલા ટ્રેલરે છકડાને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રતીક્ષા શિવકુમાર ચૌહાણ નામની બાળકી, ઉપેનકુમાર અને શિવપ્રસાદ નામની ત્રણ વ્યક્તિનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે કુલ ૧૬ જણાને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ચાર વ્યક્તિની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા ભૂજની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અા ઈજાગ્રસ્તોમાં છ બાળકોનો સમાવેશ થાય છે.

અા ઘટનાને પગલે રાડારાડી અને ચીસાચીસ થતાં અાજુબાજુના લોકો પણ દોડી અાવી બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાને પગલે ગાંધીધામ-ભૂજ હાઈવે પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. પોલીસે ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like