હવે યુઝર્સને ફ્રી ઈન્ટરનેટ આપવાનો ટ્રાઈનો પ્લાન

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરે એક કન્સ્ટલ્ટેશન પેપર રજૂ કર્યું છે, જેમાં ડેટા સર્વિસિઝ પર ભેદભાવ યુક્ત પ્રાઈસિંગ પોલિસીનું ઉલ્લંઘન કર્યા વગર મોબાઈલ પર ફ્રી ઈન્ટરનેટ આપવાના ઉપાયોનો ઉલ્લેખ કરાયો છે. ટ્રાઈએે જણાવ્યું છે કે જે લોકો હજુ ઈન્ટરનેટથી દૂર છે તેમને ઈન્ટરનેટ સાથે જોડવાનો તેમનો હેતુ છે અને તેથી મોબાઈલ પર ફ્રી ઈન્ટરનેટ આપવું જોઈએ. જોકે તેના કારણે નેટ ન્યૂટ્રિલિટી પર વધુ એક ચર્ચા છેડાય તેવી આશંકા છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા રજૂ કરવામાં આવેલ કન્સલ્ટેશન પેપરમાં ત્રણ મોડલ્સ સૂચવવામાં આવ્યાં છે. પ્રથમ મોડલ્સમાં એવું જણાવાયું છે કે યુઝર્સ માટે ટોલ ફ્રી પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે, જ્યાંથી તેઓ વિના મૂલ્યે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરી શકે. બીજું મોડલ એવું સૂચવવામાં આવ્યું છે કે કન્ઝ્યુમર શરૂઆતમાં પેમેન્ટ કરે, જેને પાછળથી પરત કરી દેવામાં આવે. ત્રીજું મોડલ એવું સૂચવવામાં આવ્યું છે કે ડેટા રિચાર્જ કે વોઈસ યુસેજ તરીકે યુઝર્સને ઈન્સેન્ટિવ મળે એવા એપ્સ લાવવામાં આવે.

નેટ ન્યૂટ્રિલિટીના સમર્થકોએ પ્રથમ બે ઉપાયની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે તે ફ્રી અને ન્યુટ્રલ ઈન્ટરનેટની ભાવનાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે ટોલ ફ્રી મોડલ ફેસબુકના ફ્રી બેઝિક્સ અને એરટેલ ઝીરો જેવા ઝીરો રેટિંગ પ્રોડક્ટની જેમ છે. ટ્રાઈ તેમના પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી ચૂકી છે.

ટીકાકારોનું કહેવું છે કે આ બંને મોડલ્સ એવા લોકો પ્રત્યે ભેદભાવ દાખવે છે જેઓ કન્ટેન્ટ સબસિડાઈઝ કરવા માટે પેમેન્ટ કરી શકે તેમ નથી. તેમના જણાવ્યા અનુસાર તેના લીધે ઈનોવેશન માટે ખરાબ માહોલ ઊભો થશે અને નેટ ન્યૂટ્રિલિટી કોન્સેપ્ટનો ભંગ થશે. ટ્રાઈએ ફેબ્રુઆરીમાં નેટ ન્યુટ્રિલિટીની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. તેમાં બધા માટે ઈન્ટરનેટની સમાન એક્સેસ આપવાની વાત કરી હતી. આ નિર્ણયને લઈને ફેસબુકને ફ્રી બેઝિક્સ પ્રોગ્રામ પાછો ખેંચવો પડ્યો હતો.

You might also like