અાડેધડ પાર્ક કરેલી કાર પણ હવે ટ્રાફિક પોલીસ ‘ટૉ’ કરી જશે

અમદાવાદ: શહેરમાં વાહનોમાં સતત વધારાના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. બીજી બાજુ શહેરીજનો દ્વારા વાહનો આડેધડ પાર્ક કરાતાં હોઇ મુખ્ય માર્ગો પર અને ખાસ કરીને પીકઅવર્સમાં આ સમસ્યા વધુ વકરે છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલી કારને લોક મારી દેવાય છે, જોકે હવે ગમે તેમ પાર્ક કરેલી કારને હવે ટ્રાફિક પોલીસ ટો કરીને લઇ જશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ માટે પાંચ હાઇડ્રોલિક ટોઇંગ વાન વસાવવામાં આવી છે, જે આજથી કાર્યરત કરી દેવાશે.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટુ-વ્હિલરને ટોઇંગ વાન દ્વારા ટો કરી લેવાય છે, જોકે જૂની ટોઇંગ વાન દ્વારા કારને ટો કરવામાં મુશ્કેલી પડતી હોઇ ટ્રાફિક પોલીસે કારને લોક મારવાની અને દંડ વસૂલવાની સિસ્ટમ અપનાવી છે.

અગાઉ કારને પણ ટો કરાતી હતી, જોકે કારને નુકસાન થવાની સંખ્યાબંધ ફરિયાદો ઊઠતાં પોલીસે કાર ટોઇંગ કરવાનું બંધ કરી દીધું હતું, જોકે હવે ટ્રાફિક પોલીસ પાસે પાંચ હાઇડ્રોલિક ટોઇંગ વાન આવી જતાં ફરીથી કાર ટો કરવાની ઝુંબેશ શરૂ કરાશે.

શહેરમાં દર વર્ષે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ હજારો કેસ વાહનચાલકો સામે નોંધાય છે. માત્ર ગેરકાયદે પાર્કિંગની વાત કરીએ તો ૨૦૧૫ના વર્ષમાં જાન્યુઆરીથી નવેમ્બર સુધીના ૧૧ મહિનામાં જ ટ્રાફિક પોલીસે ૧.૭૦ લાખ કેસ કર્યા છે. વાહનચાલકો પાસેથી એક કરોડ ઉપરાંતનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક એડિશનલ સી. પી હરિકૃષ્ણ પટેલે જણાવ્યું કે , ‘ આ વખતે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પાંચ હાઇડ્રોલિક ટોઈંગ વાન મગાવામાં આવી છે. આ વાનમાં જી પી આર એસ સિસ્ટમ ,રેકોર્ડિંગ કેમેરા પણ લગાવામાં આવ્યા છે. જ્યારે સાઈરન અને ટોઈંગ કરતાં પહેલાં આપવામાં આવતી ચેતવણી પર વિચારણા પણ ચાલી રહી છે. એક ટોઈંગ વાનમાં આશરે પાંચ જેટલા કર્મચારી મૂકવામાં આવ્યા છે.’

ગણતરીની સેકન્ડમાં ફોર વ્હિલર ટો થઈ જશે

પહેલાં જૂની ટોઇંગ વાન દ્વારા ફોર વ્હિલર ટો કરવા માટે ૧૦થી ૧૫ મિનિટનો સમય લાગતો હતો, પરંતુ હવે માત્ર ૨૦થી ૪૦ સેકન્ડમાં ફોર વ્હિલર ટો થઈ જશે. ટ્રાફિક પોલીસ દ્વારા એવી પણ વિચારણા ચાલી રહી છે કે જ્યારે પણ ટોઇંગ વાન વાહન ટો કરવા જશે ત્યારે પહેલાં સાઇરન વગાડવામાં આવશે. સાઇરનથી વાહનચાલકોને આડેધડ પાર્ક કરેલા વાહનને ખસેડવાની તક અપાશે.

નવી ટોઇંગ વાનથી આસાનીથી વાહન ટો થશે. વાહનના ટોઇંગ વખતે ટ્રાફિક પોલીસ દ્વારા વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. અગાઉ અનેક લોકોએ ટોઇંગ વખતે તેમનાં વાહનોને નુકસાન થતું હોવાની ફરિયાદો કરી હતી. આવા વિવાદોને ટાળવા વીડિયોગ્રાફી કરાશે.

You might also like