શહેર ટ્રાફિક પોલીસના ૯૦૦ કર્મચારીઓને રેડિયમ જેકેટ અપાયા

અમદાવાદ: શહેરના ટ્રાફિકને નિયંત્રણ કરતા પોલીસકર્મી હવે મોડી રાતે ચમકશે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ૯૦૦ પોલીસ કર્મચારીઓને રેડિયમ જેકેટ આપવામાં આવ્યાં છે. ટ્રાફિકના એ‌િડશનલ સીપી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે જેકેટથી ટ્રાફિક પોલીસકર્મીઓને ઠંડીથી રાહત મળી રહે. અંધારામાં જેકેટ ચમકે તે માટે રે‌િડયમ જેકેટ બનાવાયાં છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એકાદ-બે મહિના પહેલાં મોડી રાતે રામોલ હાઇવે પર ફરજ બજાવતા એક પોલીસકર્મીને વાહનચાલકે અડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું. કોમર્સ છ રસ્તા પાસે પણ મોડી રાતે પુરઝડપે પસાર થઇ રહેલા વાહનચાલકે ડ્યૂટી પર ફરજ બજાવતા પોલીસકર્મીને અડફેટમાં લીધા હતા.

ઉલ્લેખનીય છે કે પોલીસકર્મીઓ વાહનચાલકોની અડફેટમાં આવે નહીં તે ઉદ્દેશથી રે‌િડયમ જેકેટ આપવામાં આવ્યાં છે. આ મુદ્દે ઉસ્માનપુરા ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા એ.એસ.આઇ. જગદીશભાઇ બ્રહ્મભટ્ટ જણાવે છે કે જેકેટ પહેરવાથી ઠંડીથી રાહત મળે છે, સાથોસાથ આ જેકેટનો ફાયદો એ છે કે શિયાળામાં અંધારું વહેલું થઇ જતું હોવાથી અંધારામાં જેકેટ ચમકે છે. ચોમાસામાં પણ ટ્રાફિક પોલીસને રેઇનકોટ આપ્યા છે ત્યારે ઉનાળામાં રે‌િડયમવાળી કોટી આપી છે.

You might also like