ટ્રાફિક પોલીસ નહીં, ખાનગી એજન્સી ઇ-મેમો ફટકારી દંડ વસૂલ કરશે

અમદાવાદ: ટ્રાફિક ભંગના નિયમ બદલ ઈશ્યૂ કરાતા ઇ-મેમોને ઈશ્યૂ કરવામાં થતા વિલંબ અને તેની અસરકારક બજવણી અને રિકવરી સહિત ટ્રાફિક પોલીસનાં સમય અને શક્તિ બચાવવા હવેથી ઇ-મેમો ઈશ્યૂ કરવાની કામગીરી આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરાવાશે, જેથી ટ્રાફિક વાયોલન્સ માટે ઇશ્યૂ કરવામાં આવતા ઇ-ચલણ હવે પોલીસ દ્વારા નહીં, પણ ખાનગી કંપની દ્વારા વસૂલવામાં આવશે. જો તમારા નામે ઇ-ચલણ ઈશ્યૂ થયું હશે અને તમે દંડ નહીં ભર્યો હોય તો બેન્કની જેમ ખાનગી કંપનીના માણસો તમારા ઘરે ઉઘરાણી કરવા આવશે.

પોલીસ ઇ-ચલણ ઇશ્યૂ કરે છે, પણ મોટા ભાગના લોકો દંડ ભરતા નથી. અથવા કેટલાયને ઇ-ચલણ પોસ્ટથી મળતાં જ નથી. ઉઘરાણીમાં પોલીસનો સમય વ્યતીત થઇ રહ્યો છે. માટે હવે ખાનગી કંપનીને આ કામગીરી સોંપાશે. અમદાવાદ પોલીસે જુદાં જુદાં સ્થળોએ ગોઠવાયેલા સીસી ટીવી ફૂટેજના આધારે અત્યાર સુધીમાં ૭૦ હજારથી વધુુ ઇ-ચલણ તૈયાર કર્યાં છે. એક ઇ-ચલણ ઇ-મેમો તૈયાર કરવા માટે રૂ.૪૦ પ્રતિમેમો ખર્ચ થાય છે. ઇ-મેમો પ્રોજેકટ હેઠળ મેમોની બજવણી બાદ અંદાજે ૩પ થી ૪૦ ટકા દંડ વસૂલાય છે. ઇ-મેમો પોસ્ટથી મોકલવાનો વિકલ્પ છે, પરંતુ જે તે પોલીસ સ્ટેશનની હદમાં આવતા પોલીસકર્મીને મેમોની બજવણી માટે વાહનચાલકના ઘરે મોકવામાં આવે છે. માત્ર ૧૦ ટકા ઇ-ચલણ પોસ્ટથી મોકલાય છે.

શહેરની વસ્તીની તુલનાએ પોલીસકર્મીની સંખ્યા ઓછી છે. સામાન્ય રીતે ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઓછામાં ઓછા રૂ.પ૦થી વધુનો મેમો ઇશ્યૂ કરવા માટે રૂ.૪૦નો ખર્ચ થાય છે. રૂ.૧૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ઇ-ચલણ શરૂ કરાયાં છે. શહેરના ર૦૪થી વધુ ટ્રાફિક જંકશન પર ૪૦૦થી વધુ હાઇ રિઝોલ્યુશન કેમેરા મુકાયા છે.

ટુ વ્હીલર પર હેલ્મેટ ન પહેરવી, રોંગ સાઇડ વાહન ચલાવવું, બીઆરટીએસ કો‌િરડોરમાં વાહન ચલાવવું, ખોટી રીતે વાહન પાર્ક કરવું, ડ્રાઇ‌િવંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરવી વગેરે સહિતના ગુના માટે ઇ-મેમો ઇશ્યૂ થાય છે. ઇ-ચલણની સંખ્યા અને રિક્વરી વધારવા માટે ઇ-ચલણનું આઉટ સોર્સિંગ કરાશે. કામગીરીમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે જોઇન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ મોનિટરીંગ કમિટી ખાનગી કંપનીની કામગીરીનું મોનટરીંગ કરશે.

શહેરમાં વાહનોની સંખ્યા અને વિસ્તાર બંને વધી રહ્યાં છે. અત્યારે શહેરમાં આડેધડ વાહન ચલાવીને કેમેરામાં કેદ થતા વાહનચાલકોના ઘરે ઇ-મેમો પહોંચે છે. રોજના ૧૦૦૦થી વધુ લોકો ઇ-મેમો દ્વારા દંડાય છે. ટ્રાફિક નિયમના ભંંગ બદલ પ૦૦થી વધુના લાઇસન્સ રદ કરાશે, જેની યાદી ટ્રાફિક વિભાગે આરટીઓને સોંપી દીધી છે.

આ અંગે વાહનવ્યવહાર ખાતાના પ્રધાન વલ્લભભાઇ કાકડિયાએ જણાવ્યું હતું કે જેમને ઇ-ચલણ પોસ્ટથી મળતાં નથી, સરનામાં બદલાઇ જાય છે. દંડ ભરતા નથી તેવા સંજોગોમાં પોલીસનાં ઉઘરાણી બાબતે સમય-શક્તિ વેડફાય છે. માટે આઉટ સોર્સિંગ દ્વારા આ કામગીરી શરૂ કરાશે. જેથી રિક્વરી વધુ અને પરિણામ ઝડપી મળશે. સુરતમાં ઇ-ટેન્ડ‌િરંગની પ્રોસેસ ચાલુ કરાઇ છે. ટૂંક સમયમાં જ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આ સિસ્ટમ ચાલુ કરાશે.

You might also like