સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસની ડ્રાઈવઃ અનેક કર્મચારીઓ દંડાયા

અમદાવાદ: આજે સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ માટે ટ્રાફિક પોલીસ વિભાગે સ્પેિશયલ ડ્રાઇવ યોજી હતી. આજે સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ પર ૧૦ ટીમ સાથે અંદાજે ૧૦૦ જેટલા ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઝડપી લીધા હતા અને દંડનીય કામગીરી કરી હતી.

આરબીઆઇ, ઇન્કમટેકસ ઓફિસ, આશ્રમરોડ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ ઉસ્માનપુરા, ઇન્કમટેકસ ઓફિસ, પોલીસ કમિશનર કચેરી શાહીબાગ, એઇસી પાવર હાઉસ સાબરમતી, ઓએનજીસી ચાંદખેડા, કલેકટર કચેરી સુભાષબ્રિજ, પોસ્ટ ઓફિસ મીરજાપુર, અપનાબજાર જિલ્લા પંચાયત, અમદાવાદ મ્યુ‌નિ. ઓફિસ દાણાપીઠ પાસે પોલીસની ટીમ વોચ માટે ગોઠવાઇહતી. હેલ્મેટ વગર બિન્દાસ કચેરીમાં આવતા સરકારી કર્મચારીઓ, બ્લેક ફિલ્મ લગાવેલી કાર લઇને આવેલા કર્મીઓ આજે ઊંઘતા ઝડપાયા હતા.

આજે ૧૦ મુખ્ય સરકારી કચેરીઓના સવારે ઓફિસ ખૂલવાના સમયે જ પ૦૦ જેટલા સરકારી કર્મીઓ ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઝડપાયા હતા. તેમાં મોટા ભાગના કેસ હેલ્મેટ વગર વાહન ચલાવવાના નિયમ ભંગના હતા તો કેટલાક સીટ બેલ્ટ વગર ડ્રાઇવ કરવું, કાર પર બ્લેક ફિલ્મ લગાવવી વગેરે બાબતોના ટ્રાફિકના નિયમ ભંગના હતા.

સ્થળ પર હાજર રહેલ ટીમના પોલીસ કર્મીના જણાવ્યા મુજબ મોટા ભાગના દંડ થયેલા સરકારી કર્મીઓ છે. જોકે મુલાકાતીઓ પણ છે. પરંતુ સરકારી કર્મીઓ હું ગવર્નમેન્ટમાં છું, જવા દો, ચલાવી લો, ફરી ધ્યાન રાખીશ તેવી દલીલો કરતા જોવા મળ્યા હતા. પરંતુ ટ્રાફિક વિભાગની ટીમે કોઇને છોડ્યા ન હતા.

આરટીઓ દ્વારા આજે એશિયા સ્કૂલ, તુલિપ સ્કૂલ, એચ.બી. કાપડિયા ગુરુકુળ અને ઉદ્દગમ સ્કૂલ પર સ્પેશિયલ ડ્રાઇવ યોજાઇ હતી. આરટીઓની ટીમે સવારે ૬ થી ૯ કલાક સુધી સ્કૂલમાં આવતી વાન, બસ અને રિક્ષાને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઝડપી લીધા હતા. કેટલાક વાનચાલકો અને રિક્ષાચાલકો આરટીઓ ટીમને જોઇને આસપાસની ગલીઓમાં વિદ્યાર્થીઓને ઉતારીને છટકી જવામાં સફળ થયા હતા.

You might also like