હવે તમારી પાસે લાઇસન્સ નહીં હોય તો પણ ટ્રાફિક પોલીસ નહીં લઇ શકે દંડ, જાણો કેમ?

અમદાવાદ: સુભાષબ્રિજ કે વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં લર્નિંગ કે પાકું લાઇસન્સ મેળવવા માટે અેપોઈન્ટમેન્ટ લેવા માટે વાહનચાલક કે માલિકે બે મહિના જેટલા લાંબા સમયગાળાની રાહ જોવી જ પડે છે, પરંતુ લાઇસન્સ બની ગયા પછી તેને ટપાલ કે કુરિયરમાં આવતાં પણ લાંબો સમય રાહ જોવી પડતી હોવાના કારણે ટ્રાફિકમાં દંડનો ભોગ બનવું પડે છે.

જે તે અરજદારનું લાઇસન્સ બનશે કે તુરત જ તેનો ફોટો પાડીને વોટ્સએપ નંબર પર મોકલી અપાશે, જેના કારણે લાઇસન્સ બન્યા છતાં હાર્ડ કોપી નહીં મળી હોય અને ટ્રાફિક પોલીસ વાહનચાલકને ડ્રા‍ઈવિંગ લાઇસન્સના મુદ્દે દંડશે તો ઉમેદવાર તેના મોબાઈલ પર આવેલો લાઇસન્સનો ફોટો બતાવીને દંડથી બચી શકશે.

આરટીઓ કચેરી દ્વારા મોટા ભાગે ડ્રા‍ઈવિંગ લાઇસન્સ સ્કેન કરીને મોકલવામાં આવશે, પરંતુ ક્યારેક ટેકનિકલ કારણસર સ્કેનિંગ નહીં થઈ શકે તો ફોટો પાડીને મોકલી આપવામાં આવશે. અરજદારે જે તે સમયે અરજીફોર્મમાં જે મોબાઈલ નંબર આપ્યા હશે તેના પર વોટ્સએપ કરવામાં આવશે.

વાહન ચેકિંગ દરમિયાન ડ્રાઈવિંગ લાઇસન્સની પ્રક્રિયા કરી હોય અને લાઇસન્સ મોડું મળે એટલું જ નહીં, નવા વાહનની ખરીદી કરી હોય અને નવા વાહનનું રજિસ્ટ્રેશન કાર્ડ મોડું મળે તો જ્યારે પણ આરટીઓમાં નવા વાહનની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થશે કે વાહન માલિકને તેનો રજિસ્ટ્રેશન નંબર પણ વોટ્સએપ કરી દેવામાં આવશે.

આ અંગે આરટીઓ જી. એસ. પરમારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અરજદારોની રજૂઆતના પગલે આ બાબતે સરળતા લાવવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે સરકારનો સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં આવે કે તુરત જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવશે. નવી વ્યવસ્થાના કારણે અરજદારોને ડ્રાઈવિંગ લાઇસન્સની હાર્ડ કોપી નહીં મળવાના કારણે ટ્રાફિકના ચેકિંગ દરમિયાન આ બાબતે દંડ નહીં ભરવો પડે.

You might also like