ટ્રાફિક જામમાં ૨૦૦ કરોડનું ઈંધણ વેડફાયું!

નવી દિલ્હી: દિવાળીના દિવસોમાં દેશના મોટાં શહેરોમાં ટ્રાફિક જામને કારણે માત્ર સમય જ નહીં આર્થિક રીતે પણ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. દેશનાં મોટાં શહેરોમાં ટ્રાફિક જામને કારણે એક અંદાજ મુજબ રૂ. ૨૦૦ કરોડનાં ઇંધણનું નુકસાન થયું છે. એસોચેમના સર્વેક્ષણના જણાવ્યા અનુસાર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કેટલાંક પગલાં ભરવામાં આવ્યાં હતાં, જેના કારણે દેશનાં કેટલાંક શહેરોનાં વ્યસ્ત બજારોમાં વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ બજારોમાં દિવાળીના તહેવારોમાં જોવા મળેલી ભારે ખરીદી તથા મીઠાઇ અને ગિફ્ટ આપવા લેવાને કારણે શહેરોમાં ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

અમદાવાદ, દિલ્હી, એનસીઆર, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, મુંબઇ, પુણે તથા દેશના અન્ય મોટાં શહેરોમાં તહેવારોની સિઝનમાં લોકોને ટ્રાફિકને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એસોચેમના મહાસચિવ ડી.એસ. રાવતના જણાવ્યા પ્રમાણે જે લોકો કારનો કાયમ ઉપયોગ કરતા નથી તે લોકો પણ દિવાળીમાં શુભેચ્છા તથા ગિફ્ટ આપવા કારના ઉપયોગના કારણે દેશનાં મોટાં શહેરોમાં ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું કે દુકાનદાર તથા ફેરિયાવાળાઓ તહેવારોમાં ફૂટપાથ તથા પાર્કિંગ પર પણ માલસામાન વેચતા હોવાને કારણે ટ્રાફિક જામ જોવા
મળ્યો હતો.

You might also like