અમદાવાદ-લીંબડી હાઇવે પર ત્રીપલ અકસ્માત બાદ ટ્રાફિકજામ થતાં ભારે હાલાકી સર્જાઇ

અમદાવાદ: અમદાવાદ-લીંબડી નેશનલ હાઇવે નં.૮ પર પાણશીણા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયા બાદ ભારે ટ્રાફિક જામ થતા અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-લીંબડી હાઇવે પર પાણશીણા નજીકથી માલ ભરેલા ડમ્પરે એક કાર અને ટ્રકને ટક્કર મારતા આ ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના પગલે રાજકોટથી અમદાવાદ તરફ આવતા અને અમદાવાદથી રાજકોટ જતાં વાહનોની બંને તરફ લાંબી કતારો લાગી ગઇ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ થઇ જતાં અનેક વાહનચાલકો અટવાઇ પડ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પર રોડ પર જ પલટી ખાઇ ગયું હતું.

આ અકસ્માતમાં ચાર વ્યક્તિને ઇજા પહોંચતા તમામને ૧૦૮ મારફતે લીંબડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ટ્રાફિક જામ થતાં એમ્બ્યુલન્સ, પોલીસના વાહનો તેમજ અન્ય સરકારી વાહનો ફસાયા હતા.

બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ક્રેન દ્વારા ડમ્પરને રોડ પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ડમ્પરને રોડ પરથી હટાવી લઇ ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાવાયો હતો. ટ્રાફિકજામના કારણે નોકરી પર જતા કર્મચારીઓ પણ ફસાઇ ગયા હતા. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like