ટ્રાફિક કોન્સ્ટેબલે રોકતાં કારચાલક ટક્કર મારી ફરાર

અમદાવાદ: અમદાવાદમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે છતાં વાહનચાલકો મોજ-મસ્તીમાં બેફામ સ્પીડે લોકોની જિંદગી જોખમાય તેમ વાહન ચલાવે છે. આવી જ બેફામ સ્પીડે થલતેજ દૂરદર્શન પાસેથી પસાર થતા એક કારચાલકને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે રોકવા જતાં કારચાલક પોલીસકર્મીને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા અને સરખેજ ‘એમ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.35) ગઈ કાલે સવારે નવ વાગ્યાથી મુખ્યપ્રધાનના બંદોબસ્તમાં ડ્રાઈવ-ઈન સિનેમા પાસે ફરજ પર હાજર હતા. દરમ્યાનમાં 11.45ની આસપાસ એક કારચાલક બેફામ સ્પીડે હેલ્મેટ સર્કલથી આવી રહ્યો હતો, જેથી ધર્મેન્દ્રસિંહ તેને રોકવા જતાં કારચાલકે તેમને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા.

અકસ્માત કરી કારચાલક ફરાર થઇ ગયો હતો. ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને કારનો નંબર નોંધી લીધો હતો. દરમ્યાનમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસની વાન ત્યાં આવતાં વાનમાં બેસાડી તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં પોલીસકર્મીને પગના ભાગે ફ્રેક્ચર થઇ ગયું હતું. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ધર્મેન્દ્રસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

You might also like