બે ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવા ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કનો લેવાયો ભોગ

અમદાવાદ: શહેરમાં ઉતાવળે પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે એસજી હાઈવે પર રૂપિયા ૨.૫૦ કરોડના ખર્ચે બનાવેલા ‘ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક’ નો ભોગ લેવાયો છે. સોલા સિવિલ હોસ્પિટલની સામે બાળકોને ટ્રાફિક નિયમનની સમજ આપવા માટે બનાવાયેલા ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કને બે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી દેવામાં આવ્યો છે.

ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કને ફાળવવામાં આવેલી સાઇકલો અને સાધનો ધૂળ ખાય છે. બાળકોને ટ્રાફિકના નિયમોને સમજાવવા માટે જે હોલ અને ઓફિસ ફાળવવામાં આવી હતી તે હવે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટરની ચેમ્બરમાં બદલાઈ ગઈ છે. ચિલ્ડ્રન પાર્ક ચલાવતા બે કોન્સ્ટેબલને ફાળવેલી ચેમ્બરને પોલીસ સ્ટેશનને આપી તેઓને બહાર સિક્યોરિટી કેબિનમાં જગ્યા આપી દીધી છે. મોટા ઉપાડે શરૂ કરાયેલા એસજી હાઈવે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક હવે નામનો જ ચિલ્ડ્રન પાર્ક રહી ગયો છે.

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સરદાર બાગમાં ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બન્યાનાં ૩૫ વર્ષ પછી પશ્ચિમ વિસ્તાર માટે અઢી કરોડના ખર્ચે એસજી હાઈવે ઉપર ૯૧૦૦ વાર જગ્યામાં ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. ચિલ્ડ્રન પાર્કમાં પહેલી વખત જ ફ્લાયઓવર અને અંડરબ્રિજ પણ બનાવવામાં આવ્યાં છે.

પશ્ચિમ વિસ્તારની શાળાના વિદ્યાર્થી સાઈકલ ચલાવીને ટ્રાફિકના નિયમોની જાણકારી મેળવી શકે તે માટે આ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે. પરંતુ અત્યારે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક હવે બે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તબદિલ થઇ ગયો છે. સૌથી પહેલા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એસ.જી. હાઈવે-૧ ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે ‘ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક’ની બે ઓફિસ લઈ લીધી હતી. ઉતાવળે પોલીસ સ્ટેશન શરૂ કરવા ચિલ્ડ્રન પાર્કની જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ જાણે પોલીસના અધિકારીઓને ચિલ્ડ્રન પાર્કને પોલીસ સ્ટેશનની જગ્યા બનાવી દેવી હોય તેમ વધુ એક પોલીસ સ્ટેશન ત્યાં શરૂ કરી દેવાયું છે. બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે સોલા પોલીસ સ્ટેશનમાં ચાલતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક ખાતે ખસેડી દેવામાં આવ્યું છે.

જે હોલ શાળાના વિધાર્થીઓને ટ્રાફિક નિયમનની સમજ આપવા માટે ફાળવ્યો છે ત્યાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એસ.જી. હાઇવે -૧ પોલીસ સ્ટેશનના સ્ટાફ માટે જગ્યા ફાળવી દેવાઈ છે. બાળકોને ટ્રાફિક નિયમનની પ્રેકિટકલ સમજ માટે સાઇકલો ફાળવવામાં આવી છે તે સાઇકલોને બહાર મૂકી તેનાં ગોડાઉનને પી. આઈની ચેમ્બર બનાવી દેવામાં આવી છે.

‘ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક’ માત્ર બે હેડ કોન્સ્ટેબલ દ્વારા જ ચલાવવામાં આવે છે. ચિલ્ડ્રન પાર્ક ચલાવવા માટે અને જે તેની સાર સંભાળ રાખે છે.  તેઓની ઓફિસ બહાર સિક્યોરિટી કેબિનમાં ફાળવી દેવાઈ છે એટલે કે જેના માટે આખો ચિલ્ડ્રન પાર્ક ઊભો કરવામાં આવ્યો છે અને તેમની જવાબદારી છે તેઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે.

બાળકોને ચલાવવામાં માટે જે સાઇકલ ફાળવી છે તે બહાર ધૂળ ખાય છે તેનો કોઈ પણ પ્રકારની ઉપયોગ થતો નથી. no parking, stop વગેરે ટ્રાફિકની સંજ્ઞા માટેનાં સાધનો છે તે પણ ઓફિસમાં તાળા મારીને મૂકી દેવામાં આવ્યાં છે. બે ટ્રાફિક પોલીસ સ્ટેશન શરૂ થતાંની સાથે જ ‘ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક’નું પતન શરૂ થયું હોય તેમ જણાય છે.

ભાજપના સાંસદ લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલી તરફથી દોઢ કરોડની ગ્રાન્ટ અને સુરક્ષા સેતુમાંથી એક કરોડ મળીને રૂપિયા અઢી કરોડનો ખર્ચ કરી બનાવાયેલા ‘ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક’માં હજી પણ કેટલાંક સાધનો ફાળવવામાં આવ્યાં નથી. પ્રોજેક્ટર, એલઈડી અનેક ટ્રાફિકના નિયમનની સમજ આપવા માટે સરદાર બાગમાં આવેલા ચિલ્ડ્રન પાર્કને જે સાધનો ફાળવવામાં આવ્યાં છે તે પૂરતાં સાધનો અહીંયા ફાળવવામાં આવ્યાં નથી.

આટલું જ નહીં અઢી કરોડના ખર્ચે જે આ ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે તેની ડિઝાઇનમાં પણ ખામી હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદમાં ચિલ્ડ્રન પાર્કમાં પાણી ભરાઈ જાય છે. તેનો નિકાલ પણ જલદી થતો નથી જેના કારણે ચિલ્ડ્રન પાર્કને બંધ કરવાની ફરજ પડે છે.

સવારે નવથી અગિયાર અને સાંજે ચારથી છ તેમ બે-બે કલાક માટે જ ચિલ્ડ્રન પાર્ક ચાલુ રાખવામાં આવે છે. બાળકો માટે કરોડોના ખર્ચે બનાવેલો સૌથી મોટો ચિલ્ડ્રન પાર્ક હોવા છતાં તેની હાલત અત્યારે નધણિયાતી થઇ ગઈ છે. ઉદ્ઘાટન કર્યા બાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની કોઈ જ સારસંભાળ લીધી નથી.

મોટા ઉપાડે બાળકોને ટ્રાફિક નિયમનની સમજ માટે ચિલ્ડ્રન પાર્ક બનાવ્યાની વાત કરી તે જગ્યાને હવે બે ટ્રાફિક પોલીસ સ્ટેશનનો શરૂ કરી દેવામાં આવ્યા છે.
અનિરુદ્ધસિંહ મકવાણા

You might also like