અમારી તો પરંપરા જ કોમી એકતાની છે

દેશમાં કોમી વાતાવરણ ડહોળાઈ રહ્યું છે, કચ્છના એક નેતાએ ચૂંટણીમાં જીત્યા બાદ તમામ ધર્મના સ્થાનકોમાં જઈ માથું ટેકવીને કચ્છમાં કોમી એકતા કેટલી ઊંડે સુધી રીઝેલી છે તે સાબિત કર્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોમાં લખપત તાલુકા પંચાયતની નારાયણ સરોવર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાજી હાસમશા હાજી મહમંદશા સૈયદ વિજેતા બન્યા હતા. જીત બાદ તેમણે માતાના મઢમાં આશાપુરાના ચરણે, નારાયણ સરોવરના ત્રિકમરાયજી મંદિરે, કોટેશ્વર મહાદેવ, કપુરાશીના સોનલમાના દેવસ્થાને, પીપર ગામના મતિયાદેવના મંદિરે શીશ ટેકવીને આશિષ લીધા હતા.

તેઓ કહે છે, ‘અમારા પૂર્વજો ૫૫૦ વર્ષ પહેલાં કચ્છમાં આવીને વસ્યા હતા. અમારી પરંપરા જ કોમી એકતાની છે. મારા પરદાદા સૈયદ મિશ્રીશા સાલેશા રાજાશાહી સમયમાં નારાયણ સરોવરના ત્રિકમરાયજી મંદિરના ટ્રસ્ટી-સલાહકાર હતા. તમામ ધર્મના ભગવાન એક જ છે એમ હું માનું છંુ. ત્રણ વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં મારી હાર થતાં અનેક મિત્રોએ આ વખતે મારી જીત થાય તે માટે માનતા રાખી હતી.

નારાયણ સરોવરના ખમુભાઈ મહેશ્વરીએ માતાના મઢનાં દર્શનની તો કપુરાશીના ગઢવીબહેને સોનલમાની અને પીપરના સામજીભાઈએ મતિયાદેવની માનતા માની હતી. તે પૂરી કરીને કોટેશ્વરમાં મહાદેવનાં દર્શન કરી અભિષેક પણ કર્યો હતો. સાથે ત્રિકમરાયજી મંદિર, સોમીશા બાબાની દરગાહે પણ માથું ટેકવ્યું હતું.’કચ્છ સરહદી વિસ્તાર હોવા છતાં અહીં ક્યારેય કોમી તંગદિલી ફેલાઈ નથી, તેનું કારણ અહીંનાં લોકોની બધા ધર્મો પ્રત્યે સમદૃષ્ટિથી જોવાની માનસિકતા જ હોઈ શકે.

You might also like