નફાખોરી કરનારા વેપારીનાં રજિસ્ટ્રેશન રદ થશે

નવી દિલ્હી: જો કોઇ કંપની કે ડીલર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ ચીજવસ્તુઓના નક્કી કરેલા ટેક્સ રેટ મુજબ ગ્રાહકોને તેનો ફાયદો પાસવન નહીં કરે તો તેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે. જીએસટીના કાયદા અંતર્ગત રચાનારા નફાખોરી વિરોધી ઓથોરિટી પાસે આવી કંપની અને ડીલરોને કારોબાર કરતા રોકવાનો પૂરો અધિકાર હશે, જોકે નિષ્ણાતોએ આ જોગવાઇને કઠોર ગણાવી છે, જ્યારે નાણાપ્રધાન અરુણ જેટલીનું કહેવું છે કે આ જોગવાઇ વેપારીને ડરાવવા માટે નથી. આનો ઉપયોગ ત્યારે કરવામાં આવશે કે જ્યારે બીજો કોઇ વિકલ્પ નહીં રહે, જોકે આ ઓથોરિટી સ્થાયી સંસ્થાના રૂપમાં કામ નહીં કરે. આ ઓથોરિટીને બે વર્ષ બાદ બંધ કરી દેવામાં આવશે.

ઓથોરિટી ડીલરો અને કંપનીને કિંમતો ઓછી કરવાના આદેશ પણ આપી શકે છે. જો કોઇ કંપની જીએસટી અંતર્ગત નક્કી કરેલા ટેક્સ રેટ મુજબ ભાવમાં ઘટાડો નહીં કરે તો ઓથોરિટી ગ્રાહકોને પૈસા પાછા આપવાનું પણ કહી શકે છે. એટલું જ નહીં ઉત્પાદન ખરીદીની તારીખથી ૧૮ ટકા વાર્ષિક વ્યાજદરથી ગ્રાહકોને પૈસા પાછા મળશે. આ અંગે ગ્રાહકનો પત્તો નહીં મળે તો આ પૂરી રકમ ગ્રાહક કલ્યાણ ફંડમાં જશે. ઓથોરિટી નફાખોરીની રકમ બરાબર પેનલ્ટી પણ લગાવી શકે છે.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ જોગવાઇ વેપારી-કંપની માટે ડરામણી છે. આ જોગવાઇના કારણે ઇન્સ્પેક્ટર રાજ આવશે.
http://sambhaavnews.com/

You might also like