ચીન પર વેપારી સંઘ ભડક્યાઃ ૧૯મીએ ચીની વસ્તુઓની હોળી

(એજન્સી)નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન દ્વારા મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના પ્રસ્તાવ પર વિટો લગાવનાર અને સતત ચોથી વખત પાકિસ્તાનને મદદ કરનાર ચીન પર વેપારીઓનો આક્રોશ ભડકી ઊઠ્યો છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દેશભરના વેપારીઓને ચીની માલસામાન અને ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા માટે એલાન આપવામાં આવ્યું છે. વેપારી સંઘો ૧૯ માર્ચે ચીની માલસામાનની હોળી પણ કરશે. CAIT દ્વારા જણાવાયું છે કે દેશભરમાં હજારો સ્થળોએ ૧૯ માર્ચના રોજ ચીની માલસામાનની હોળી કરાશે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે કે હવે પાકિસ્તાનની મદદ કરવા બદલ ચીનને ભારે કિંમત ચૂકવવી પડશે. ચીન માટે ભારત એક મોટું માર્કેટ છે અને જો આ માર્કેટમાંથી ચીનનો બહિષ્કાર કરાશે તો ચીનનાં અર્થતંત્રને મોટો ફટકો પડશે અને તેથી જ CAIT દ્વારા દેશભરના વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ ચીનની તમામ ચીજવસ્તુનો બહિષ્કાર કરે અને ચીનનો માલસામાન ન તો વેચે કે ન તો ખરીદે. પોતાના આ અભિયાનમાં CAIT ટ્રાન્સપોર્ટ, લઘુ ઉદ્યોગ, હોકર્સ, ગ્રાહકો વગેરેને પણ રાષ્ટ્રીય સંગઠનો સાથે જોડશે.

બીજી બાજુ હોળીના પિક સેલ્સમાં બજારની સ્થિતિ અલગ છે, જોકે છેલ્લા કેટલાંક વર્ષથી ચાઇનીઝ માલસામાનની ભાગીદારી ઘટી છે, પરંતુ હજુ કાચો અને ફિનિશ્ડ માલ ચીનથી ઇમ્પોર્ટ થઇ રહ્યો છે. મોટા ભાગનો માલસામાન ત્રણથી છ મહિના અગાઉ આવી જાય છે. સદર બજારના ટ્રેડર ઘનશ્યામ અરોરાએ જણાવ્યું કે જો અમે હોળીનો સ્ટોક વેચવાનું બંધ કરીશું તો નુકસાન અમારું જ થશે કેમ કે અમે તો ચીનને પૈસા ચૂકવી દીધા છે. તેમણે જણાવ્યું કે સરકારે પણ ચીન સામેના પ્રતિબંધ પર તેનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.

You might also like