નવું ટ્રેક્ટર કારની ટક્કરથી રોડ નીચે ઊતરી ગયુંઃ એકનું મોત

અમદાવાદ: શહેરને અડીને આવેલા સરદાર પટેલ રિંગ રોડ પર ગત રાત્રે અને વહેલી સવારે બનેલા બે બનાવમાં એક વ્યકિતનું મોત નીપજ્યું હતું જ્યારે એક આઠ વર્ષના બાળકને ઇજા થઇ હતી. મોડી રાત્રે નવા ટ્રેકટરની ડિલિવરી કરવા જતા ટ્રેકટરચાલકને કારચાલકે ટક્કર મારતાં ટ્રેકટર રોડ પરથી ઊતરી ગયું હતું. ટ્રેકટરચાલકને ગંભીર ઇજાઓ થતાં તેેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંં તેનું મોત નીપજ્યું હતું.

મૂળ હરિયાણાના અને હાલ અસલાલી ખાતે રહેતા રોહતાસસિંગ જાટ તેમના કાકાના દીકરા સાથે અમદાવાદમાં ટ્રેકટરના શો રૂમમાં ટ્રેકટર ડિલિવરીનું કામ કરે છે. ગત રાત્રે રોહતાસસિંગ, રામબાબુ જાટ અને લખનસિંગ જાટ ત્રણેય નવા ટ્રેકટરની ડિલિવરી આપવા બનાસકાંઠા જવા નીકળ્યા હતા. એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ નજીકથી તેઓ પસાર થતા હતા ત્યારે એક કારચાલક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને લખનસિંગના ટ્રેકટરને ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં ટ્રેકટર રોડ પર ખાડામાં ઊતરી ગયું હતું. લખનસિંગને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ આજે વહેલી સવારે એપલવૂડ, ઓર્ચિડ ફલેટ બોપલ ખાતે રહેતા સચીન મુખરજીનો પુત્ર રુદ્ર મુખરજીને તેની માતા સ્કૂટી પર સ્કૂલે મૂકવા જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રકચાલકે સ્કૂટીને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ રુદ્ર રોડ પર પટકાયો હતો અને અન્ય ટ્રક નીચે આવી ગયો હતો. જોકે તેનો ચમત્કારિક બચાવ થયો હતો હતો. સામાન્ય ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
http://sambhaavnews.com/

You might also like