ટ્રેકટર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બાળક સહિત ત્રણનાં મોત

અમદાવાદ, ગુરુવાર
વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામ પાસે ટ્રેકટર અને છકડા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ વ્યકિતનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામ પાસે ભૂખી નાળા નજીક ગઇ મોડી રાત્રે ટ્રેકટર અને મુસાફરો ભરેલા છકડા વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત સર્જાતાં ચાર વર્ષનાં બાળક સહિત ત્રણ વ્યકિતનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઇ ત્રણેય લાશને શિનોરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી. અકસ્માતમાં માર્યા ગયેલાના નામ-સરનામાં જાણવા મળ્યાં નથી.

આ ઉપરાંત અંકલાવ નજીક ભાદરણ-કિંખલોડ રોડ પર ગઇ કાલે બપોરે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક તબીબનું મોત થયું હતું. વડોદરામાં રહેતા અને ભાદરણમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.પંકજ જોશી નિત્યક્રમ પ્રમાણે દવાખાને જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like