કોટ વિસ્તારમાં ઉંદરોનો ત્રાસઃ ડ્રેનેજ લાઈન પણ કાતરી ખાય છે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનમાં સમાવેશ ધરાવતા કોટ વિસ્તારમાં વર્ષોથી ઉંદરનો ત્રાસ છે. કાલુપુર, શાહપુર, ગ્યાસપુર, રાયખડ સહિતના તમામ વિસ્તારમાં ઉંંદરના ઉત્પાતથી લોકો સ્વાભાવિકપણે પરેશાન છે, પરંતુ નાની બિલાડીનું જેટલું કદ ધરાવતા ઉંદરો વારંવાર ડ્રેનેજ લાઈનને કોતરી ખાતાં હોઈ કોટ વિસ્તારમાં ગટર ઊભરાવવાનો પ્રશ્ન કાયમી બન્યો છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના ઝીરો અવરમાં ખાડિયાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય ભાવનાબહેન નાયકે કોટ વિસ્તારમાં ઉંદરોએ મચાવેલા ઉત્પાતની સમસ્યા તંત્ર સમક્ષ રજૂ કરી હતી. આમ તો કોટ વિસ્તારમાં વર્ષોથી ઉંદરોનો ત્રાસ છે.

અનાજ અને ફ્રૂટ વગેરેનો જથ્થાબંધ વેપારીની ઈલેક્ટ્રિકના સામાન સહિતની વિવિધ વસ્તુઓના ગોડાઉનથી કોટ વિસ્તાર ધમધમતો હોઈ ઉંદરોનો ત્રાસ સતત વધતો જ જાય છે.

ડ્રેનેજ લાઈનને કોતરી ખાવામાં પાવરધા ઉંદરોને ડ્રેનેજ લાઈનમાંથી શાકાહારી અને માંસાહારી એમ બંને ખોરાક સહેલાઈથી મળતા હોઈ નાનો બિલાડી-બિલાડા જેવા વિશાળ બનીને બાળકો અને મહિલાઓને ભયભીત પણ કરે છે. જે તે કેચપિટને તંત્ર દ્વારા સાફ કરાઈ હોય તો તે બે ચાર દિવસમાં ઉંદરોએ કોતરી કાઢવાથી માટીથી ભરાઈ જાય છે.

આ અંગે ભાવનાબહેન નાયક વધુમાં કહે છે કે, વર્ષો પહેલાં તંત્ર દ્વારા ઉંંદરને પકડવા પર પ્રતિ ઉંદર રૂ. દશ અપાતા હતા, પરંતુ આની વિરુદ્ધ કોર્ટમાં જાહેર હિતની અરજી થતાં તેના પર પ્રતિબંધ મુકાઈ ગયો છે.

જોકે તંત્ર સમક્ષ ઉંંદરોના ત્રાસ અંગે મેં રજૂઆત કરતા મધ્ય ઝોનના એડિશનલ સિટી ઈજનેર અમિત પટેલે ચોખા બજાર અને માધુપુરામાં મેટલ જાળી ધરાવતી ત્રણ કેચપિટ બનાવાઈ હોવાની માહિતી અને ગઈ કાલની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી.

તંત્ર દ્વારા કોટ વિસ્તારમાં વધુને વધુ મેટલ જાળી ધરાવતી કેચપિટ બનાવાશે તેવું આશ્વાસન પણ અપાયું છે જોકે એ નવનિર્મિત ત્રણ કેચપિટ પ્રત્યક્ષ જોવાનો આગ્રહ રાખ્યો છે.

You might also like