ટોપ સિક્રેટ સ્ટડી બાદ નોટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી: સરકાર તરફથી 1000 અને 500ની નોટને ચલણમાંથી બંધ કરવા અંગેનો નિર્ણય લેતાં પહેલાં ખૂબ જ ઉચ્ચ સ્તરની ગુપ્તતા રાખવામાં આવી હતી. આ માટે ઈન્ડિયન સ્ટેટિ‌િસ્ટકલ ઈન્સ્ટિટ્યૂટ સહિત અનેક સિક્યો‌િરટી એજન્સી તરફથી આ અંગે અતિ ખાનગી સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અંગેનો અહેવાલ ફ્રેબ્રુઆરી અને માર્ચમાં મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાદમાં કાળાં નાણાં અને નકલી નોટો સામે પગલાં લેવાનો નિર્ણય ઉચ્ચ સ્તરેથી લેવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં કુલ 400 કરોડ રૂપિયાની નકલી નોટો એટલે કે ફેક ઈન્ડિયન કરન્સી નોટો ફરી રહી હતી. આ અંગેના સર્વેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આવી હેરાફેરી ચાર વર્ષમાં 2011-12 થી 2014-15 દરમિયાન અેક જ સ્તરે જોવા મળી હતી.

દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થયા બાદ લોકોને નવી નોટો મળી શકે તે માટે વિવિધ બેન્કમાં હેલિકોપ્ટર દ્વારા નોટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે આર્થિક બાબતોના સચિવ શકિતકાંત દાસે જણાવ્યું કે આ અંગે આરબીઆઈએ દેશની તમામ બેન્કને નવી નોટ મળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે અને આરબીઆઈએ બેન્કોને જણાવ્યું છે કે તે 30 ડિસેમ્બર સુધી એટીએમના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ન લગાવે.

સરકાર નોટને પહોંચતી કરવામાં ઝડપ લાવવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે. સરકારે આ દિશામાં 21 નવેમ્બર સુધી તમામ એરપોર્ટ પર પાર્કિંગ ફ્રી જાહેર કર્યું છે. તેનું મુખ્ય કારણ નાની નોટની અછત છે. 18 નવેમ્બર સુધી તમામ નેશનલ હાઈવેને ટોલ ફ્રી જાહેર કર્યા છે. જ્યારે 24 નવેમ્બર સુધી આવશ્યક સેવાઓમાં જૂની નોટો ચાલશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. હવે એકાદ-બે દિવસમાં એટીએમમાંથી 2000ની નોટ પણ નીકળવા લાગશે.

You might also like