શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની મજબૂત પકડઃ ગુપ્ટિલની સદી

ડુનેડિનઃ પ્રવાસી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં શાનદાર શરૂઆત કરી હતી, જોકે પૂછડિયા બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો. ગુપ્ટિલે આજે ૨૩૪ બોલનો સામનો કરીને ૨૧ ચોગ્ગા સાથે શાનદાર ૧૫૬ રન બનાવ્યા હતા. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર આઠ વિકેટે ૪૦૯ રન છે. બ્રેસવેલ ૩૨ રને અને વેગનર શૂન્ય રને બેટિંગ કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના ઓપનરો ગુપ્ટિલ (૧૫૬) અને લાથમ (૨૨) પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૫૬ રન ઉમેર્યા હતા ત્યારે લાથમને ૨૨ રને લકમલે પોતાની જ બોલિંગમાં કેચઆઉટ કર્યો હતો.

જોકે ત્યાર બાદ ગુપ્ટિલ અને કેન વિલિયમ્સનની જોડી જામી અને આ બંને ખેલાડીએ બીજી વિકેટની ભાગીદારીમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી ૧૭૩ રન ઉમેરીને ટીમનો સ્કોર ૨૨૯ રન સુધી પહોંચાડી દીધો હતો. જોકે વિલિયમ્સન આજે ૧૨૩ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૮૮ રન બનાવીને પ્રદીપની બોલિંગમાં આઉટ થઈ જતાં તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો.  એક છેડો સાચવીને શાનદાર બેટિંગ કરી રહેલા ગુપ્ટિલની સાથે ટેલર જોડાયો હતો, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો અને ફક્ત આઠ રન બનાવીને પ્રદીપની બોલિંગમાં એલબી આઉટ થયો હતો. આમ ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ ૨૪૫ રનના સ્કોર પર પડી હતી.

ગુપ્ટિલે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મેક્કુલમનો સાથ લઈને ચોથી વિકેટની ભાગીદારીમાં ૮૯ રન ઉમેર્યા હતા. મેક્કુલમ આજે ઘણા દિવસ બાદ પોતાના અસલી ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે પોતાના સ્વભાવ અનુસાર તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે જ્યારે ૭૫ રને રમી રહ્યો હતો ત્યારે સિરીવર્દનાની બોલિંગમાં કેચઆઉટ થઈ ગયો હતો. મેક્કુલમે ફક્ત ૫૭ બોલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૫ રન ઝૂડી કાઢ્યા હતા અને શ્રીલંકાને બેકફૂટ પર ધકેલવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. જ્યારે પાંચમી વિકેટના રૂપમાં સેન્ટનર ૧૨ રન બનાવી ચામેરાનો શિકાર બન્યો હતો.

You might also like