શેરબજારમાં બંને તરફની ભારે વધ-ઘટના પગલે MFમાં રોકાણકારોની સંખ્યા ટોચે

અમદાવાદ: શેરબજારમાં બંને તરફની ભારે વધ-ઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક તથા સ્થાનિક મોરચે અનિશ્ચિતતા જોવા મ‍ળી રહી છે, જોકે આ માહોલ વચ્ચે પણ રસપ્રદ બાબત એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઇ રહ્યું છે.

માત્ર એક જ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયોની સંખ્યા આઠ લાખ વધીને એપ્રિલ મહિનાના અંતમાં ૭.૨૨ કરોડ કે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયેલી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૧.૬ કરોડ નવા ફોલિયો ઉમેરાયા હતા, જ્યારે તે અગાઉ ૨૦૧૬-૧૭માં ૬૭ લાખ, જ્યારે ૨૦૧૫-૧૬માં ૫૯ લાખ નવા ફોલિયો ઉમેરાયા હતા.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ૪૨ મ્યુચ્યુઅલ ફંડના કુલ ફોલિયોની સંખ્યા ચાલુ વર્ષે વધીને ૭,૨૧,૮૫,૯૭૦ની નોંધાઇ હતી. માર્ચ-૨૦૧૮માં ૭,૧૩,૪૭,૩૦૧ની તુલનાએ ૮.૩૮ લાખની વૃદ્ધિ દર્શાવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાનાં શહેરોમાં રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડમાં અને તેમાં પણ ખાસ કરીને ઇક્વિટી સ્કીમમાં રોકાણનું આકર્ષણ જળવાયેલું જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના સામાન્ય બજેટમાં સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખ્યો હતો તે સમયગાળામાં એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં રોકાણનો પ્રવાહ ઘટ્યો હતો.

You might also like