‘ટૉપ એફએમ’નું CM વિજય રૂપાણીના હસ્તે ધમાકેદાર લોન્ચિંગ

અમદાવાદ: રાજ્યનાં નાનાં આઠ શહેરોમાં ‘ટૉપ’ નજરાણું એટલે કે ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શનિવારે તા.૪ ઓગસ્ટના રોજ વાયએમસીએ ક્લબ ખાતે ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનને પ્રારંભિક તબક્કામાં ભરૂચ, પોરબંદર અને વેરાવળમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય શહેરો અને જમ્મુ-કાશ્મીરનાં પાંચ શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે.

શનિવારે સાંજે એસજી હાઇવે પર આવેલી વાયએમસીએ ક્લબમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રોડ-ટ્રાન્સપોર્ટ, હાઈવે શિપિંગ અને કેમિકલ વિભાગના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ‘સમભાવ મીડિયા ગ્રૂપ’ના સીએમડી કિરણ વડોદરિયા, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

દીપપ્રાગટ્ય બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધિવત્ ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ‘સમભાવ મીડિયા ગ્રૂપ’ના સીએમડી કિરણ વડોદરિયાએ જણાવ્યું હતું કે ‘સમભાવ ગ્રૂપ’માં એફએમ રેડિયોનું નવું માધ્યમ ઉમેરાયું છે.

જે ૩૬૦ ડિગ્રી કોમ્યુનિકેશન કહેવાય છે. ‘સમભાવ ગ્રૂપ’ પાસે દર્શકો છે-વાચકો છે અને હવે શ્રોતાઓ પણ છે. ‘ટૉપ એફએમ’ ટિયર-ર એટલે કે આઠ નાનાં શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની ર૦ ટકા વસ્તીને ‘ટૉપ એફએમ’ કવર કરી લે છે. એફએમ હાઇપર માર્કેટ માધ્યમ છે.

અત્યાર સુધી ‘સમભાવ ન્યૂઝ મીડિયા ઓર્ગેનાઇઝેશન’ હતું. હવે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઓર્ગેનાઇઝેશન થશે. જમ્મુ-કાશ્મીરમાં પણ પાંચ સ્ટેશન શરૂ કરવામાં આવશે, જે વધારાનું સાહસ છે. જે રિમોટ એરિયા છે, જ્યાં હિન્દી ભાષાને પ્રમોટ કરવાની જરૂર છે ત્યાંના શ્રોતાઓને હિન્દી સાથે જોડવાની જરૂર છે તે માટેનો આ એક પ્રયાસ છે.

‘સમભાવ’ના સ્થાપક ભૂપતભાઇ વડોદરિયા લેખક અને પત્રકાર બંને હતા. તેમનો એક ઉદ્દેશ હતો-જર્નાલિઝમ. તેઓ જણાવતા હતા કે સમાચારની વિશ્વસનીયતા જાળવી રાખવી જોઈએ. આજની હરીફાઈમાં વિશ્વસનીયતાનો મુદ્દો જ બાજુમાં મુકાઈ ગયો છે.

એક સ્થાપક તરીકે જે મંત્ર તેઓ આપીને ગયા છે તેનો પૂરેપૂરો અમલ ‘સમભાવ’ કરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાસ્ટ ટ્રેક ન્યૂઝના જમાનામાં પહેલાં કોણ બ્રે‌િકંગ કરે વગેરે, પરંતુ ‘સમભાવ’માં એક પાસું છે કે વિશ્વસનીયતા જળવાવી જોઇએ. લોન્ચિંગ પ્રસંગે હાજર રહેલા મહેમાનોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રેડિયો ૧૨૫ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. આ માધ્યમ મનોરંજનની સાથે સમાચાર આપવાની ભૂમિકા પણ બજાવે તે આજની આવશ્યકતા છે. રેડિયો સાથે વિશ્વના ૯૫ ટકા લોકો જોડાયેલા છે. તેથી રેડિયોનો પહેલાંથી દબદબો રહ્યો છે.સને ૧૯૩૯માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં રેડિયો સ્ટેશનનો પ્રારંભ

કરાવ્યો હતો. સને ૧૯૪૧માં સુભાષચંદ્ર બોઝે ‘રેડિયો જર્મની’ પર ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’નો લલકાર કર્યો હતો. તે જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રેડિયોને જનસમાજમાં વધુ પોપ્યુલર કરવાનું કાર્ય કર્યું છે.
ટીવી આવવાથી રેડિયોનું ચલણ ઓછું થઇ જશે તેમ મનાતું હતું, પરંતુ આજે આરજે દ્વારા નવા-નવા વિચારો સાથે મનોરંજન સાથે માહિતી પીરસાવાથી રેડિયોનું માધ્યમ વધુ લોકભોગ્ય બન્યું છે. રેડિયો સિલોન, અમીન સયાની, ‘ગીતમાલા’ની જૂની યાદો વાગોળતાં તેમણે ‘સમભાવ મીડિયા’નું નવું નજરાણું ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશન ‘ટોપ એફએમ’ના સૂત્ર ‘જબ સૂનો ટોપ સૂનો’ની માફક સફળ થઇ શ્રેષ્ઠતા હાંસલ કરે તે માટેની શુભેચ્છા પાઠવી હતી.

ટૉપ એફએમ’ના આરજે સીડે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ગુફ્તેગો કરી હતી, જેમાં મુખ્યપ્રધાને વ્યક્તિગત કક્ષાએ તેમના પ્રિય ગીત, જન્મદિવસની ઉજવણી, મિશન વિદ્યા વગેરે અંગે અનુભૂતિ વહેંચી હતી.

પ્રખ્યાત મ્યુઝિકલ બેન્ડ મેઘધનુષે પર્ફોર્મ કરી અને જોરદાર મ્યુઝિક અને ગીતો દ્વારા શ્રોતાઓને ખુશ કરી દીધા હતા. ‘સમભાવ મીડિયા લિ.’ના સીઓઓ અને ગ્રૂપ રેવન્યૂ હેડ નીરજ અત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે જેની આપણે રાહ જોઈ રહ્યાં હતાં તે ‘ટૉપ એફએમ’ના લોન્ચિંગથી શ્રોતાઓને કર્ણમધુર સંગીત તો મળશે જ, સાથે-સાથે ભારતભરના બ્રાન્ડ માલિકો અને માર્કેટરોને આ દ્વિતીય શ્રેણીનાં શહેરોના ગ્રાહકો સાથે અસરકારક રીતે જોડાવા માટેનું માધ્યમ પણ મળશે.

‘ટૉપ એફએમ’ના લોન્ચિંગ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, રોડ-ટ્રાન્સપોર્ટ, હાઈવે શિપિંગ અને કેમિકલ વિભાગના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા,ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે, મેયર બીજલ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ટોરેન્ટ પાવરના ચેરમેન સુધીર મહેતા, રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રૂપ પ્રેેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) પ‌િરમલ નથવાણી, ભાજપના નેતા દિલીપ સંઘાણી, પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ, ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા, હર્ષદ પટેલ, ભરત પંડ્યા, ભાજપના નેતા અમિત ઠાકર, પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભરત બારોટ, ભાજપ નેતા સુરેન્દ્ર પટેલ, પૂર્વ મેયર અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા, ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, મહિલા અને બાળ આયોગ ચેરમેન જાગૃતિબહેન પંડ્યા, પૂર્વ સાંસદ હરીન પાઠક, કોંગ્રસ શહેર પ્રમુખ શ‌િશકાંત પટેલ, કોંગેસના પ્રવક્તા મનીષ દોશી, હિમાંશુ પટેલ, કોંગેસના નેતા અર્જુન મોઢવા‌િડયા, કોંગેસના ધારાસભ્ય સી.જે. ચાવડા, કોંગેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, કોંગેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, સેક્ટર-ર જેસીપી અશોક યાદવ, અમદાવાદ રેન્જ આઈજી એ. કે. જાડેજા, જીટીપીએલના મેને‌િજંગ ડિરેક્ટર કનકસિંહ રાણા, વડોદરા રેન્જ આઇજી અભય ચૂડાસમા, ‘લવની ભવાઈ’ ફિલ્મના ડિરેક્ટર સંદીપ પટેલ, કવિ તુષાર શુકલ, ગાયક પાર્થ ઓઝા સને સંજય ઓઝા, એપેક્ષ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડો. તેજસ પટેલ, કટારિયા ઓટોમોબાઇલ્સના ઓનર રાજેન્દ્ર કટારિયા, અજિત એડ્સના એમડી અજિત શાહ, પૂર્ણિમા એડ્વર્ટાઇઝિંગના એમડી રાજેન્દ્ર સોની, બ્રાન્ડ કન્સલ્ટન્ટ સંજય ચક્રવર્તી સ‌િહત મીડિયાજગતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

You might also like