ટોપ એશિયન રિચ-2019 હિન્દુજા પરિવાર ટોપ પર

(એજન્સી) લંડન: લંડનમાં રહેતા દિગ્ગજ એનઆરઆઇ ઉદ્યોગપતિ હિન્દુજા ફેમિલી ‘એશિયન રિચ લિસ્ટ’માં આ વર્ષે પણ સતત છઠ્ઠી વાર ટોચના સ્થાને રહ્યા છે. તેમની કુલ સંપત્તિ ૨૫.૨ અબજ પાઉન્ડ છે, જે ગઇ સાલની તુલનાએ ત્રણ અબજ પાઉન્ડનો વધારો સૂચવે છે. લંડનમાં એશિયન બિઝનેસ એવોર્ડ દરમિયાન જારી કરાયેલ એશિયન રિચ લિસ્ટ-૨૦૧૯ અનુસાર સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલનું સ્થાન બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ ૧૧.૨ અબજ પાઉન્ડની છે, જેમાં ગઇ સાલની તુલનાએ ૨.૮ અબજ પાઉન્ડનો ઘટાડો થયો છે.

બ્રિટનમાં ભારતના હાઇકમિશનર રુચિ ઘનશ્યામે આ યાદી જારી કરે છે, જેમાં બ્રિટનમાં વસતા એશિયાના કુલ ૧૦૧ અબજપતિઓનું રેન્કિંગ અને છેલ્લા ૧૨ મહિનામાં બિઝનેસમાં તેમની સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ યાદીમાં એસ.પી. લોહિયા ૫.૮ અબજ પાઉન્ડની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે.

એશિયન રિચ લિસ્ટ-૨૦૧૯માં જે બિઝનેસમેનનો સમાવેશ કરાયો છે તેમની કુલ સંપત્તી ૮૫.૨ અબજ પાઉન્ડથી વધુ છે. આ અબજપતિઓની કુલ સંપત્તિમાં દર વર્ષે વધારો થયો છે અને આ વર્ષે તેમાં સરેરાશ પાંચ અબજ પાઉન્ડનો વધારો થયો છે.

આ યાદીમાં સાત નવા અબજપતિઓનો પણ સમાવેશ થયો છે, જેમાં હોટલ બિઝનેસમેન જોગિન્દર સેંગર અને તેમના પુત્ર ગિરીશ સેંગર પણ સામેલ છે, જેમનું સ્થાન ૪૦માં ક્રમે છે. જેમની કુલ સંપત્તિ ૩૦ કરોડ પાઉન્ડથી વધુ છે. આ યાદીમાં દિગ્ગજ એનઆરઆઇ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ ૭૦ કરોડ પાઉન્ડની નેટવર્થ સાથે ૧૭મા ક્રમે છે.

You might also like