વિશ્વના ૫૦ સૌથી વધુ અમીરોમાં મુકેશ અંબાણી, પ્રેમજી, દિલીપ સંઘવી સામેલ

નવી દિલ્હી :  વિશ્વના ૫૦ સૌથી અમીર લોકોની યાદીમાં ભારતના ત્રણ ઉદ્યોગપતિઓ પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. જેમાં મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી અને દિલીપ સંધવીનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં બિલ ગેટ્સ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ રહ્યા છે. વેલ્થએકસ દ્વારા જારી કરવામાં આવેલી નવી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણી ૨૪.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ૫૦ સૌથી અમીર લોકોની યાદીમાં ૨૭મા સ્થાને છે.

જયારે અઝીમ પ્રેમજી અને દિલીપ સંઘવી ક્રમશઃ ૧૬.૫ અબજ ડોલર અને ૧૬.૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ૪૩માં અને ૪૪માં ક્રમાંક ઉપર છે. ટોચના ૫૦ સૌથી અમીર લોકોની કુલ સંપત્તિ ૧.૪૫ ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચે છે જે ઓસ્ટ્રેલિયાને જીડીપી સમાન છે. બિલ ગેટ્સ આ યાદીમાં ૮૭.૪ અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમસ્થાન ઉપર છે. જયારે સ્પેનિશ બિઝનેસમેન એમાન્સીયો ઓરટેગા અને વારેન બફેટ બીજા અને ત્રીજા સ્થાને છે.

તેમની સંપત્તિ ક્રમશ : ૬૬.૮ અબજ ડોલર અને ૬૦.૭ અબજ ડોલર રહી છે. અમેઝોનના જેફરી બેઝોસ ૫૬.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને રહ્યા છે. અમેરિકી બિઝનેસમેન ડેવિડ કોચ પણ ટોપ પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. યાદી મુજબ અમેરિકાના આ યાદીમાં ૨૯ અબજોપતિ છે જે અન્ય કોઇપણ દેશ કરતા વધારે છે. ચીનના ચાર અને ભારતના ચાર અબજોપતિ ટોપ પ૦માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

આ યાદીમાં સૌથી યુવા અબજોપતની યાદીમાં ૩૧ વર્ષીય ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ રહ્યા છે. ૪૨.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે તેઓ ૮માં સ્થાન સ્થાને છે. ચાર મહિલા અબજોપતિ પણ આ યાદીમાં સામેલ છે જેમાં ૯૩ વર્ષીય એલઓરિયલના બેટનકોર્ટનો સમાવેશ થાય છે. તે યાદીમાં ૧૭માં સ્થાને છે. તેમની સંપત્તિ ૨૯ અબજ ડોલરની રહી છે.

સેકટરવાઈઝ અબજોપતિની વાત કરવામાં આવે તો ટેકનોલોજીએ વર્ચસ્વ જમાવ્યું છે. ૧૨ અબજોપતિ ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા છે જે ફાઈનાન્સ સહિતના અન્ય કોઇપણ સેકટર કરતા સૌથી વધારે છે. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યકતિ તરીકે પ્રભુત્વ ધરાવે છે. બીજીબાજુ અઝીમ પ્રેમજી અને દિલીપ સંધવી પણ યાદીમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે

You might also like