તુવેરદાળ ભરવાની સિઝનના છેલ્લા તબક્કામાં ફરી વાર ભાવ ૧૫૦ને પાર

અમદાવાદ: પાછલાં વર્ષે તુવેરની દાળના ભાવ રૂ. ૨૦૦ની સપાટી ક્રોસ કરી ગયા હતા, જોકે ચાલુ વર્ષની શરૂઆતમાં ભાવ ઘટીને રૂ. ૧૨૦થી ૧૨૫ની સપાટીએ આવ્યા હતા, પરંતુ હવે જ્યારે તુવેરની દાળ ભરવાની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત નવેસરથી તેજીની ચાલ જોવા મળી રહી છે અને સ્થાનિક બજારમાં તુવેરની દાળના ભાવ રૂ. ૧૫૦ની સપાટી વટાવી રૂ. ૧૫૫થી ૧૬૦ની સપાટીએ પહોંચી ગયા છે.

એ જ પ્રમાણે અડદની દાળમાં પણ નવેસરથી તેજીની ચાલ જોવાઇ છે. સ્થાનિક બજારમાં અડદની દાળનો ભાવ રૂ. ૧૭૦થી ૧૯૦ની સપાટીએ પહોંચી ગયો છે. દરમિયાન ઘટતા જતા પુરવઠાની વચ્ચે સ્ટોકિસ્ટોની લેવાલીએ વધતા જતા ભાવને ટેકો મળ્યો છે અને સ્થાનિક બજારમાં તુવેરની દાળ અને અડદની દાળમાં મજબૂત ચાલ જોવાઇ છે. મહારાષ્ટ્રનાં કેટલાંક રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે કઠોળના પાકને અસર થવાની ભીતિએ પણ કઠોળના ભાવમાં ફરી એક વખત સુધારાની ચાલ જોવાઇ છે.

ચણા, ચણાની દાળ, મગ અને મગ દાળમાં પણ મજબૂતાઇ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં પાંચથી દશ રૂપિયાનો પ્રતિકિલોએ સુધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પાછલાં કેટલાક સમયથી વધતા ભાવને અંકુશમાં લેવા માટે પગલાં લેવાયાં હોવા છતાં ભાવ ઘટવાનું નામ લેતા નથી અને હોલસેલ વેપારીઓની ઊંચી સંઘરાખોરીએ ભાવ વધી રહ્યા છે.

You might also like