સિઝન હોવા છતાં તુવેરની દાળના ભાવ ઊંચા મથાળે સ્થિર

અમદાવાદ: ફેબ્રુઆરીમાં તુવેરની દાળ ભરવાની સિઝન હોય છે અને સામાન્ય રીતે આ સિઝનના આ સમયમાં તુવેરની દાળની આવક પણ સ્થાનિક બજારમાં મોટા પ્રમાણમાં હોવાને કારણે તુવેરની દાળના ભાવ નીચા હોય છે. પાછલા વર્ષે તુવેરની દાળના ભાવે ડબલ સેન્ચુરી વટાવી દીધી હતી. ત્યાર બાદ ભાવમાં ઘટાડો પણ નોંધાયો હતો. તુવેરની દાળની સિઝન ચાલી રહી છે તેમ છતાં પણ તુવેરની દાળના ભાવ ઊંચા મથાળે સ્થિર જોવા મળી રહ્યા છે.

હાલ તુવેરની દાળ પ્રતિકિલોએ ૧૩૦થી ૧૪૫ રૂપિયાની સપાટીએ જોવા મળી છે, જ્યારે તેલ વગરની તુવેરની દાળનો ભાવ તેનાથી ઊંચો જોવા મળી રહ્યો છે. તેલ વગરની તુવેરની દાળનો ભાવ રૂ. ૧૪૦થી ૧૫૦ની સપાટીએ સ્થાનિક બજારમાં જોવા મળી રહ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલાં ચાર-છ સપ્તાહથી તુવેરની દાળમાં ભાવમાં ખૂબ જ ઓછી વધ-ઘટ જોવા મળી રહી છે. સટ્ટાકીય લેવાલી તથા જમાખોરીના કારણે સ્થાનિક બજારમાં તુવેરની દાળની આવક અપેક્ષા કરતાં નીચી હોવાના કારણે ઊંચા મથાળે ભાવ જોવા મળી રહ્યા છે. સ્થાનિક માધુપુરાના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે બજારનો રુખ જોતાં ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા હાલ ખૂબ ઓછી છે.

You might also like