તુવેરની દાળના ભાવ તૂટ્યા

અમદાવાદ: તુવેરની દાળના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ સહિત શહેરના જથ્થાબંધ તુવેર દાળના ભાવમાં પ્રતિક્વિન્ટલે પાછલા એક જ સપ્તાહમાં રૂ. ૨૦૦થી ૫૦૦નો ઘટાડો જોવાઇ ચૂક્યો છે અને તેના પગલે સ્થાનિક બજારમાં પણ તુવેરની દાળ પ્રેશરમાં જોવાઇ છે. હાલ ૩૮૦૦થી ૪૨૦૦ પ્રતિક્વિન્ટલની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે. બે સપ્તાહ પહેલાં તુવેરની દાળનો ભાવ રૂ. ૭૫થી ૮૦ના પ્રતિકિલોની સપાટીએ જોવા મળતો હતો, જેમાં ઘટાડો થવાની શક્યતા સ્થાનિક હોલસેલ વેપારીઓ દ્વારા વ્યક્ત થઇ રહી છે.

નોંધનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં તુવેરની દાળના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. મહારાષ્ટ્રના હોલસેલ બજારમાં ચણા, અડદની દાળ અને મગના જથ્થાબંધ ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશના અગ્રણી એવા મહારાષ્ટ્રના હોલસેલ બજારમાં જોવા મળેલા ઘટાડાના પગલે આગામી દિવસોમાં ચણા, અડદ અને મગના ભાવમાં પણ ઘટાડાની ચાલ નોંધાઇ શકે છે. નોંધનીય છે કે હાલ ચણા અને મગ રૂ. ૭૫થી ૮૦, અડદની દાળ રૂ. ૯૦થી ૧૦૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહી છે.
http://sambhaavnews.com/

You might also like