તુવેરની દાળ બાદ હવે ચણાની દાળ ગૃહિણીઓનો વારો કાઢશે

અમદાવાદ: પાછલા એક મહિનામાં ચણાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. સ્થાનિક બજારમાં પ્રતિકિલોએ રૂ. ૧૦થી ૧૫નો ઉછાળો નોંધાઇ રૂ. ૭૦થી ૮૦ની સપાટીએ ચણા પહોંચી ગયા છે ત્યારે ચણાના ભાવમાં જોવા મળેલા ઉછાળાના પગલે ચણાની દાળના ભાવમાં પણ આગઝરતી તેજી જોવા મળી છે. ચણાની દાળના ભાવ વધીને રૂ. ૮૦થી ૯૦ની પ્રતિકિલોની સપાટીએ પહોંચી ગયા છે.

સ્થાનિક કાલુપુર અનાજ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ચણાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. રાજસ્થાન બાજુથી ચણાની ઓછી આવકના પગલે ચણા અને ચણાની દાળના ભાવમાં વધુ ઉછાળો જોવાઇ શકે છે. એક બાજુ ઓછી આવકો તો બીજી બાજુ ફ્લોર મિલર્સ દ્વારા ખરીદીના પગલે બજારમાં ચણાની દાળના ઘટતા જતા સ્ટોકના પગલે ચણાની દાળના ભાવમાં પાછલાં એક જ મહિનામાં ૧૦થી ૧૫ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને સ્થાનિક બજારમાં ચણાની દાળના ભાવ રૂ. ૮૦થી ૯૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

ચણાના લોટનો ભાવ પણ વધીને રૂ. ૧૦૦એ પહોંચ્યો
ચણાની દાળના વધતા ભાવની પાછળ ચણાના લોટના ભાવ પણ ફ્લોર મિલરોએ વધારી દીધા છે. પાછલા એક મહિનામાં ચણાના લોટના ભાવમાં રૂ. સાતથી દશનો વધારો જોવા મળી રહ્યો છે અને ૯૦થી ૧૦૦ રૂપિયે પ્રતિકિલોના મથાળે ચણાનો લોટ સ્થાનિક ફ્લોર મિલરો વેચી રહ્યા છે.

You might also like