બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં ‘રોય’, ‘રોકઓન-૨’, ‘કહાની-૨’ અને ‘ડેડી’ જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં કરિયર બનાવવી સરળ નથી. અહીં સફળ થાવ તો ખૂબ જ પ્રશંસા અને તાલીઓ મળે છે, પરંતુ નિષ્ફળ જાવ તો એટલાં જ વધારે જૂતાં પડે છે.

બોલિવૂડની બહાર કામ કરતા લોકોને લાગે છે કે અભિનેતાઓએ વધુ મહેનત કરવી પડતી નથી, પરંતુ એ વાત સાચી છે. અર્જુન કહે છે કે ફિલ્મોમાં કામ કરનાર લોકો પ્રત્યે બહારના લોકો વિચારે છે કે અમે ખૂબ જ આરામથી એસી વાનમાં બેસીને શોટ આપીએ છીએ અને ઘરે જતા રહીએ છીએ, જ્યારે એવું કંઇ જ હોતું નથી.

કોઇ પણ પ્રોફેશનમાં તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે અને તમારું કામ શીખવું પડે છે. એ જ રીતે એક્ટિંગની કરિયરમાં પણ તમારે આમ કરવું પડે છે.  અર્જુન કહે છે કે તમારે એક્ટિંગમાં તમારી સ્કિલ્સને નિખારીને સામે લાવવી પડે છે.

ખુદને ચેલેન્જ કરવી, દર્શકોને સરપ્રાઇઝ આપવી, બોક્સ ઓફિસને સમજવી અને ફિલ્મના બજેટને સારી રીતે જાણવું આ બધું સરળ કામ નથી, પરંતુ ધાર્યા કરતાં વધુ મુશ્કેલ છે.

અર્જુન કહે છે કે જ્યારે સફળતા મળે છે ત્યારે બધાં તમને હાથમાં રાખે છે. તમારી પ્રશંસા કરે છે અને તમારા માટે તાલીઓ વગાડે છે, પરંતુ જ્યારે તમે નિષ્ફળ જાવ ત્યારે આ જ લોકો તમને જૂતાં મારતાં અચકાતા નથી. એક્ટિંગ અને બોલિવૂડ જેટલું ગ્લેમરસ ફિલ્ડ લાગે છે તેટલું છે નહીં. •

You might also like