પશ્ચિમ યુપીની 73 સીટ માટે કાલે મતદાનઃ જાટ-મુસ્લિમ મત માટે ભારે ખેંચતાણ

લખનૌ: યુપીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતી કાલે 73 સીટ માટે મતદાન થશે, જેમાં ગઈ કાલે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જતાં હવે ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે ત્યારે હાલ ઉમેદવારોમાં જાટ અને મુસ્લિમ મત માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.  આવતી કાલે થનારા મતદાન પૂર્વે વિવિધ રાજકીય નેતાઓ અંતિમ સમયે વોટની ગણતરી કરી રહ્યા છે. જેમાં મત માટે ધર્મ અને જાતિના આધારે વિવિધ રાજકીય ગણતરી મંડાઈ રહી છે. દરમિયાન ચૂંટણી પહેલાં મોદી સરકારના કૃષિ રાજ્યપ્રધાન સંજીવ બાલિયાને વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતું કે મતદારો ભાજપ તરફી જ મતદાન કરશે.

જોકે તેમનો આ દાવો જાટ મતદારો માટે કદાચ ખોટો સાબિત થઈ શકે તેમ છે. કારણ આ વિસ્તારમાં વિધાનસભાની કુલ 125 સીટ છે જેમાં લગભગ 17 ટકા જાટ મતદાર છે. આ વિસ્તારની 51 સીટ પર જાટ મતદારો ઉમેદવારની હાર અને જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આરએલડીના ગઢ બાગપત અને મથુરામાં જાટ મતદારોની સંખ્યા વધુ છે. ત્યારે આંકડા દર્શાવે છે કે પશ્વિમ યુપીમાં જાટ મતદારો કેટલા મહત્વના છે? હરિયાણામાં જાટ અનામતને લઈને જે વિવાદ ચાલે છે તેના કારણે યુપીમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

બીજી તરફ એવા સવાલ પણ થઈ રહ્યા છે કે જો યુપીમાં જાટ મતદારો ભાજપને મત નહિ આપે તો તેઓ માયાવતીની તરફેણમાં અથવા રાષ્ટ્રીય લોકદળની તરફેણમાં મતદાન કરશે? તો બીજી બાજુ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જાટ મતદારો મુસ્લિમ મતદારો જે પાર્ટીને વોટ આપશે તે પાર્ટીને મત નહિ આપે. તે રીતે મુસ્લિમ મતદારો સપાને મત આપે તેવી સંભાવના જણાઈ રહી છે.જોકે આ વખતે માયાવતીએ પણ દલિત-મુસ્લિમ ગઠબંધનની ફોર્મ્યુલા બનાવી છે.

http://sambhaavnews.com/

You might also like