આવતી કાલે શહેરમાં સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાશે

અમદાવાદ: શાહીબાગના સરદાર પટેલ ભવન ખાતે આવતી કાલે સાંજે ૪.૩૦ વાગ્યે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાશે, જેમાં મહેસાણાના વસઇડાભલાના ૯૪ વર્ષીય વયોવૃદ્ધ પદ્મશ્રી ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રી, પંચમહાલના કાકણપુરના ડો.વિજય શંકર પંડ્યા અને પ્રભાસપાટણને જન્મભૂ‌િમ અને કર્મભૂ‌િમ બનાવીને સોમનાથ ટ્રસ્ટના ૧૯૭પથી ટ્રસ્ટી તરીકે સેવા આપનાર પ્રો.જીવણભાઇ પરમાર એમ ત્રણ સંસ્કૃતના વિદ્વાનોનું સન્માન કરાશે.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ગુણવંત શાહ અને અધ્યક્ષસ્થાને પૂર્વ મુખ્યપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ હાજર રહેશે. વર્ષ ર૦૧૪ માટે ડાહ્યાભાઇ શાસ્ત્રી, વર્ષ ર૦૧પ માટે ડો. વિજય શંકર પંડ્યા અને વર્ષ ર૦૧૬ માટે પ્રો. જીવણભાઇ પરમારને એવોર્ડ અંતર્ગત શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક, સન્માનપત્ર, શાલ અને રૂ.એક લાખનો રોકડ પુરસ્કાર એનાયત કરાશે. ૧૯૯૬થી આ સન્માન અપાતું હોઇ કે.કા.શાસ્ત્રી, રમેશભાઇ ઓઝા સહિતના આઠ વિદ્વાનોને સોમનાથ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા છે તેમ સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને સેક્રેટરી પ્રવીણ કે. લહેરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

You might also like